Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

૮ બેઠકોના પરિણામો ગુજરાતના રાજકારણની દિશા દર્શાવશે

એકેય બેઠક ભાજપની ન હોવા છતાં ભાજપ માટે સૌથી વધુ પ્રતિષ્ઠાનો પ્રશ્નઃ પેટાચૂંટણીના જનાદેશની અસર પાલિકા-પંચાયતો પર પડશે

રાજકોટ તા. ર૧ :.. ગુજરાત વિધાનસભાની ૮ બેઠકો લીંબડી, મોરબી, ધારી, ગઢડા, અબડાસા, કપરાડા, કરજણ અને ડાંગ માટે તા. ૩ નવેમ્બરે પેટાચૂંટણીનું મતદાન અને તા. ૧૦ મીએ પરિણામ છે. તમામ બેઠકોમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા છે. કોંગ્રેસના ૮ ધારાસભ્યોના પક્ષપલ્ટા અને રાજીનામાથી આ ચૂંટણી આવી છે. ૮ પૈકી પ માજી ધારાસભ્યોને ભાજપે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. દેખીતી રીતે ભાજપ માટે વકરો એટલો નફો છે. પણ સૌથી વધુ પ્રતિષ્ઠા ભાજપની જ દાવ પર લાગી છે. પેટાચૂંટણીના પરિણામ ગુજરાતના રાજકારણની દિશા દર્શાવશે.

કોંગ્રેસે પક્ષપલ્ટો ઉપરાંત મોંઘવારી, બેરોજગારી, કાયદો-વ્યવસ્થા, વિદ્યાર્થીઓની મુશ્કેલી, ખેડૂતોના પ્રશ્નો વગેરેને મુદા બનાવ્યા છે. ભાજપે મુખ્યત્વે વિકાસની રાજનીતિ પર ભાર મૂકયો છે. કોંગ્રેસના પ્રમાણમાં ભાજપ પ્રચાર અને ગોઠવણમાં આગળ દેખાય છે. કોરોનાની પરિસ્થિતિમાં પ્રથમ વખત ધારાસભ્યની ચૂંટણી આવી છે. પ્રચારની પધ્ધતીમાં ધરખમ ફેરફાર થઇ ગયો છે. મતદાન કેટલુ થશે તે અનિશ્ચિત છે.

૮ બેઠકોની પેટાચૂંટણી પછી ટૂંકા ગાળામાં તાલુકા - જિલ્લા પંચાયતો અને કોર્પોરેશનોની ચૂંટણી આવવા પાત્ર છે. આ પરિણામની સીધી અસર તેના પર પડે તે સ્વાભાવિક છે. મતદારો પક્ષપલ્ટાનો મુદ્ે સ્વીકારે છે કે નહિ ? તે આ પરિણામથી સ્પષ્ટ થઇ જશે. સંપૂર્ણ અથવા મહદઅંશે ભાજપ તરફી જનાદેશ પક્ષપલ્ટાની રાજનીતિને અને સરકારની કામગીરીને સ્વીકૃતિ સમાન ગણાશે. જો પરિણામ સંપૂર્ણ અથવા મહદઅંશે ભાજપ વિરૂધ્ધ આવે તો સરકાર વિરોધીઓને બળ મળશે અને કોંગ્રેસમાં નવુ જોમ આવી જશે. કોંગ્રેસ વિરોધનું પરિણામ ભાજપનો ઉત્સાહ વધારી શકે છે. ૮ બેઠકોનું પરિણામ ભાજપ અને કોંગ્રેસને પક્ષની રીતે અસર કરવા ઉપરાંત લોકમિજાજની ઝાંખી કરાવવા સાથે બન્ને પક્ષના કેટલાક ટોચના નેતાઓના રાજકીય ભાવિને વ્યકિતગત રીતે અસર કરનારૂ પણ  બની શકે છે.

(11:19 am IST)