Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

૭ મહિના બાદ ગાંધીનગરનું સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર દશેરાએ પુનઃ ખુલશે

સરકારની કોરોના ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાશે

રાજકોટ તા. ર૧ :.. કોરોના મહામારીના કારણે ૭ મહિનાથી બંધ ગાંધીનગરનું સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર તા. રપ ને રવિવારે દશેરાથી પુનઃ ખુલુ મુકાશે.

કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે આશરે સાત મહિના સુધી બંધ રહેલું ગાંધીનગર ખાતેનું સ્વામીનારાયણ અક્ષરધામ તા. રપ મી ઓકટોબર દશેરાના શુભ દિને સાંજે પ કલાકે દર્શનાર્થીઓ માટે પુનઃ ખુલ્લું મુકવામાં આવશે. દર્શનાર્થીઓ અને ભાવિક ભકતો આ ભવ્ય સાંસ્કૃતિક પરિસરના દર્શન હવેથી કરી શકશે.

દર્શન કરવા માટે હાલનું સમય પત્રકઃ સોમવાર સિવાય દરરોજ સાંજે પ થી ૭.૩૦ કલાક દરમિયાન અક્ષરધામ પરિસરમાં પ્રવેશ મળી શકશે. અક્ષરધામ મંદિરના દર્શન બાદ દરરોજ સાંજે ૭.૧પ કલાકે યોજાતા વોટર શોને પણ દર્શનાર્થીઓ નિહાળી શકશે. આ ઉપરાંત અક્ષરધામના ઉદ્યાનો અને પ્રેમવતી ઉપાહાર ગૃહ પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે. વળી મુલાકાતીઓ બુક સ્ટોલમાંથી પૂજા સામગ્રી અને રોગપ્રતિકારક આયુર્વેદિક ઔષધીઓ મેળવી શકશે. અભિષેક પૂજા વિધી તેમજ તમામ પ્રદર્શન ખંડો હાલ પૂરતા બંધ રહેશે.

દર્શનાર્થીઓએ અક્ષરધામની મુલાકાત દરમિયાન પોતાના અને જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે કોરોના મહામારી અંગેના સરકારના તમામ નિયમો અને માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સમગ્ર પરિસરમાં તેઓએ માસ્ક સતત પહેરી રાખવાનું રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે. પરિસરમાં પ્રવેશ મેળવતા પહેલા થર્મલ સ્ક્રીનીંગ અને હેન્ડ સેનિટાઇઝેશન ફરજીયાત રહેશે. સામાન્ય કરતાં વધુ તાપમાન ધરાવતા તેમજ કોવિડ-૧૯ ના લક્ષણો ધરાવતા મુલાકાતીઓને પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

(11:08 am IST)