Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

કાલે રાષ્ટ્રીયકૃત બેંકોની હડતાળ : એસબીઆઈ નહિ જોડાય : કરોડોના વ્યવહાર થશે ઠપ્પ

આખા ગુજરાતભરમાં રાષ્ટ્રિયકૃત બેન્કોની 4,000થી વધુ બ્રાન્ચો એક દિવસ માટે બંધ રહેશે

નવી દિલ્હી : દિવાળી તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બેંક કર્મચારી યુનિયનો અને કેન્દ્ર સરકાર વચ્ચે કર્મચારીઓના વિવિધ પ્રશ્નોના મુદ્દે ચાલી રહેલી મંત્રણા નિષ્ફળ રહેતા કાલે  22 ઓક્ટોબરને મંગળવારે હડતાળ પાડવાનો નિર્ણય યથાવત રાખ્યો છે. જોકે, આમાં દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)નહી જોડાય.

  મહાગુજરાત બેંક એમ્પ્લોયીસ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યું કે, બેન્કોના મર્જર, નોન પરફોર્મિંગ એસેટ (NPA), લોનની રીકવરી તેમજ બેન્કિંગમાં નોકરીઓ ગુમાવવાના ભય સહિતના મુદ્દાઓને લઇને એક દિવસ માટે કર્મચારીઓ હડતાળ પર જશે. ગુજરાતમાં 20000 જેટલા બેંક કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે.

  સેન્ટ્રલ લેબર કમિશ્વરની ઑફિસમાં સોમવારે બેંક કર્મચારી યુનિયનો અને સરકાર વચ્ચે સમાધાન માટે એક બેઠક મળી હતી અને જેમાં નાણા મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેઓએ આ હડતાળ પાછી ખેંચવા માટે અનુરોધ કર્યો હતો. પરંતુ આ બેઠકમાં કોઈ નિવેડો ન આવતા બેંક કર્મચારીઓએ વિરોધ પ્રદર્શિત કરવા માટે હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો.

  આ હડતાળના કારણે આખા ગુજરાતભરમાં રાષ્ટ્રિયકૃત બેન્કોની 4,000થી વધુ બ્રાન્ચો એક દિવસ માટે બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, હડતાળના કારણે રૂ. 15 હજાર કરોડના ટ્રાન્ઝેક્શનને અસર થઇ શકે છે. વિશ્વભરમાં જ્યાં પણ બેન્કોનું જોડાણ થયું છે ત્યાં બેંક કર્મચારીઓની નોકરીઓ જોખમમાં મુકાઇ હતી.

(7:13 pm IST)