Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સુરતમાં હોસ્‍પિટલમાં ડોક્ટરે ટેલિફોન ઉપર વાતચીત કરીને ઇન્જેકશન આપવાની સલાહ આપ્યા બાદ નર્સે ઇન્જેકશન આપતા દર્દીનું મોતઃ પરિવારજનોનો આક્ષેપ

સુરત : સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં પેટના દુઃખાવાની સારવાર માટે દાખલ થયેલી એક વિદ્યાર્થીનીનું ઈન્જેક્શન લીધા બાદ મોત નિપજ્યું છે. ત્યારે પરિવારજનોએ હોસ્પિટલ પર મોતનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો હતો અને ખાનગી હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અડાજણ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય ધ્વની ચૌહાણ ધોરણ-9માં અભ્યાસ કરે છે. ધ્વનીને શનિવારે રાત્રે પેટમાં દુખાવો ઉપડ્યો હતો. જેના બાદ તેને નજીકના દવાખાને લઈ જવામાં આવી હતી. આ ખાનગી હોસ્પિટલમાં પણ તેને સારું ન થતા ત્યાંથી નજીકમાં આવેલા બીજા ખાનગી દવાખાનામાં લઈ જવામાં આવી હતી. આ હોસ્પિટલમાં ડોક્ટરે ટેલિફોનિક વાતચીત પર જ નર્સને ઇન્જેક્શન આપવાની સલાહ આપી હતી. ઈન્જેક્શન લીધા બાદમાં ધ્વનિની તબિયત વધારે બગડી હતી. તેથી પરિવારજનોએ ફરી ડોક્ટરને ફોન કર્યો હતો. પણ ડોકટર નિખિલ પટેલે હોસ્પિટલમાં આવવાની તસ્દી લીધી ન હતી. જોકે ગણતરીના કલાકો બાદ ધ્વનિનું મોત થયું હતું. ત્યારે પરિવારજનોએ તબીબ પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો અને ફોરેન્સિક તપાસની માંગણી કરી હતી.

(5:34 pm IST)