Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સુરતમાં જુદી-જુદી જગ્યાએથી ચોરાઉ મોટરસાયકલનો ચોરી કરવામાં ઉપયોગ કરનાર ૩ ઝડપાયાઃ ૩ લેપટોપ, ૩ મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત

સુરત : સુરત શહેરમાં વહેલી સવારે ઘરની ગ્રીલ વગરની સ્લાઈડિંગ બારીઓમાંથી ઘૂસીને ચોરી કરતી ટોળકીને એસઓજી પોલીસે ઝડપી પાડી છે. આ ટોળકી પાસેથી 3 લેપટોપ સહિત 3 મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે ત્રણ જણની ટોળકીને પકડીને પોલીસને મોટી સફળતા મળી છે.

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી પરોઢિયે એટલે કે વહેલી સવારે મકાનોની ગ્રીલ વગરની સ્લાઈડિંગ બારીઓ ખોલી ચોરી કરવાની ઘટનાઓ બનતી હતી, જે પોલીસ માટે માથાના દુખાવા રૂપ બની રહી હતી. તેની સાથે સાથે આ ટોળકી જુદી જુદી જગ્યાએથી ચોરેલી મોટર સાયકલનો ચોરીમાં ઉપયોગ કરતી હતી. જેથી આ ટોળકી પોલીસના હાથમાં આવતી ન હતી. બીજી તરફ એકલ દોકલ રાહદારીઓને લૂંટી લેવાની ઘટનાઓ પણ બનતી હતી અને આરોપીઓ પોલીસને હાથતાળી આપી નાસી જતા હતા. દરમ્યાનમાં એસઓજીની ટીમે કેટલીક નક્કર વિગતોના આધારે પોલીસે ગઈકાલે પનાસ ગામની નહેર પાસેથી 3 આરોપીઓની ધરપકડ કરી હતી.

કોણ કોણ પકડાયા?

સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપી આર.આર. સરવૈયાએ જણાવ્યું કે, અમે સોનુ ઉર્ફે જેક રાજુ પડવી, સોનુ ઉર્ફે સોનુ બિહારી ઉર્ફે અજય રવિશંકર ઉપાધ્યાય, રવિ શંકર ઉર્ફે લંબુ ઉર્ફે પંકજ વિક્રમસિંગ કુર્મિ પટેલની ધરપકડ કરી છે. તેઓની પાસેથી 3 લેપટોપ, 3 મોટરસયકલ, 4 મોબાઈલ, 1 આઈપેડ, 2 બેગ, રોકડ 5 હજારની મત્તા કબજે કરવામાં આવ્યાં છે.

(5:30 pm IST)