Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ગ્રીન ફટાકડાનો ટ્રેન્ડ : જોકે ભાવ વધુ હોઇ વેચાણ હજુ સાવ ઓછું

સામાન્ય ફટાકડાની સરખામણીએ ૩૦ ટકા ઓછું પ્રદૂષણ ફેલાવે છે

અમદાવાદ, તા. ર૧: દિવાળીની ઉજવણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂકયું છે ત્યારે કેન્દ્ર સરકારે ગ્રીન ફટાકડા માર્કેટમાં લોન્ચ કર્યા છે. તેમાં કોઠી, પેન્સિલ, ચકરડી, તારામંડળ અને સુતળી બોમ્બ વેચાઇ રહ્યા છે. સરકારનો દાવો છે કે, સામાન્ય ફટાકડાની સરખામણીએ ગ્રીન ફટાકડાથી પ્રદૂષણ ૩૦ ટકા ઓછું થાય છે. તેથી આ વખતે ગ્રીન ફટાકડા શહેરની બજારમાં મળી રહ્યા છે, પરંતુ તેનો ભાવ વધારે છે તેના કારણે વેચાણ પણ ઓછું છે.

સામાન્ય ફટાકડાની સરખામણીએ ગ્રીન ફટાકડા મોંઘા એટલે કે બમણા ભાવ છે. સામાન્ય રીતે તારામંડળનું એક પેકેટ (૧૦ નંગ)ની કિંમત ર૦૦ રૂપિયા હોય છે. પરંતુ આ વખતે દિવાળી પર ગ્રીન ફટાકડાવાળા તારામંડળની કિંમત ૪૦૦ રૂપિયા છે. ગ્રીન ફટાકડા અંતર્ગત મળતી ચકરડીના ૧૦ નંગવાળા બોકસની કિંમત પ૦૦ રૂપિયા છે. જયારે સામાન્ય ચકરડીની કિંમત રપ૦ રૂપિયા છે.

'કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ' એ ગ્રીન ફટાકડા બનાવ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ફટાકડા ધૂળ શોષવાની ક્ષમતા ધરાવે છે. ફટાકડાની એક ફોર્મ્યુલા એવી પણ છે જેનાથી વોટર મોલેકયૂલ્સ એટલે કે પાણીના અણુ ઉત્પન્ન થઇ શકે છે. ગ્રીન ફટાકડામાં ૩૦ ટકાથી લઇને ૯૦ ટકા સુધી બેરિયમ નાઇટ્રેટનો ઉપયોગ થાય છે.

(3:55 pm IST)