Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

બાવળામાં શરાબની મહેફિલ વેળા રેડ પડી : ઘણા ઝડપાયા

પકડાયેલા નબીરા અમદાવાદ-રાજકોટ રહેવાસી : અમદાવાદના ભાવિત પારેખનો બર્થ ડે ઉજવવા ૨૦ હજાર ભાડુ ચૂકવીને બંગલો શરાબની મહેફિલ માટે ભાડે રખાયો

અમદાવાદ, તા.૨૧ : અમદાવાદ જિલ્લાના બાવળા-આદરોડા રોડ પર આવેલા કિંગ્સ વિલેના વીક એન્ડ બંગ્લોઝમાં બર્થ ડે પાર્ટી કરતા ૧૦ નબીરાની બાવળા પોલીસે ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઇ છે. અમદાવાદના થલતેજમાં રહેતા ભાવિત પારેખ નામના યુવકનો બર્થ ડે હોવાથી બંગલાનું એક દિવસનું રૂ. ૨૦ હજાર ભાડું ચૂકવી આ નબીરાઓએ પાર્ટી યોજી હતી પરંતુ તમામ રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસના પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે, ઝડપાયેલા નબીરાઓ અમદાવાદ અને રાજકોટના રહેવાસી છે. પોલીસે આરોપીઓ પાસેથી ગાડીઓ, મોબાઈલ ફોન, દારૂની બોટલો સહિતનો રૂ.૯૯ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે રૂ. ૯૯,૫૩,૬૪૫નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫ઈ, ૬૬(૧)બી. ૬૮, ૮૫(૧), ૮૪, ૮૧ મુજબ આરોપીઓની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી.

                 આ અંગેની વિગત એવી છે કે, બાવળા-આદરોડા રોડ પર આવેલા કિંગ્સ વિલેના વીક એન્ડ બંગલોઝમાં કેટલાક યુવકો દ્વારા દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાવળા પોલીસને ચોકકસ બાતમી મળી હતી, જેને પગલે પોલીસે સ્ટાફના કાફલા સાથે ઉપરોકત સ્થળે અચાનક દરોડા પાડયા હતા. તો, બંગલાના ગાર્ડનમાં દસ જેટલા યુવકો દારૂની મહેફિલ માણતાં રંગેહાથ પકડાઇ ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું કે, થલતેજના ભાવિત પારેખની બર્થ ડે ઉજવવા માટે આ પાર્ટીનું આયોજન કરાયું હતું અને આ પાર્ટી માટે જ ખાસ આ બંગલો રૂ.૨૦ હજારથી ભાડે રખાયો હતો. દારૂની આ પાર્ટી માટે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા દેવેન્દ્ર નામના શખ્સનું નામ સામે આવ્યો હતો. જો કે, પોલીસના દરોડા બાદ તે હજુ ફરાર હોઇ પોલીસને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા નબીરાઓમાં મોટાભાગના અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. તમામની ઓળખ પણ કરી લેવામાં આવી છે. તેમની સામે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. મોટાભાગે થલતેજ, બોડકદેવના હોવાનું જાણવા મળ્યું છે.

ઝડપાયેલા નબીરા......

 (૧)    ભાવિત ભરતભાઇ પારેખ (રહે થલતેજ અમદાવાદ)

(૨)     માધવ ભરતભાઇ તેરૈયા (રહે બોડકદેવ અમદાવાદ)

(૩)     જય રમણીકભાઇ પટેલ (રિધ્ઘી સિધ્ધી બંગ્લોઝ રાજકોટ)

(૪)     હાર્દીક હરેશભાઇ જૈન (રહે. ઓમ રામનગર રાજકોટ)

(૫)     સવરીન શૈલેષભાઇ પટેલ (પર, અપી એપાટેમેન્ટ રાજકોટ)

(૬)     દિપ મહેશભાઇ પટેલ (રહે. ચિત્રકુટ એપાર્ટમેન્ટ રાજકોટ)

(૭)     કુશલ સુરેશભાઇ ઠક્કર (રહે. ગ્રીનમેકો બંગ્લોઝ અમદાવાદ)

(૮)     ધવલ ભરતકુમાર ગાંધી (રહે.સ્વસ્તિક સોસાયટી અમદાવાદ)

(૯)     માલવ ઉદયન નાણાવટી (રહે. અમદાવાદ)

(૧૦)   ધવલ જયેશભાઇ ઠક્કર (રહે.અમદાવાદ)

(8:40 pm IST)