Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

કમલેશ તિવારી સુધી આરોપીઓને પહોંચાડવા એક હિન્દુ અગ્રણી શંકાના રડારમાં

આરોપીઓ દ્વારા વેશપલ્ટાઃ હોટલમાંથી લોહીવાળા કપડા કબ્જેઃ અસ્ફાકે રોહીત સોલંકી નામનુ આધારકાર્ડ તૈયાર કરી મૃતક કમલેશ તિવારી સુધી પહોંચવા તેમને ફેસબુક ફ્રેન્ડ બનાવેલાઃ આજ મધરાત સુધીમાં આરોપીઓ સુરતથી લખનઉ પહોંચશેઃ કમલેશ તિવારીનો હત્યા અગાઉનો ચર્ચાસ્પદ વિડીયો વાયરલઃ રોજ નવા ફણગા ફૂટે છે

રાજકોટ, તા. ૨૧ :. ઉત્તર પ્રદેશના લખનઉના હિન્દુ મહાસભાના પૂર્વ અધ્યક્ષ કમલેશ તિવારીની ગળુ કાપી ક્રૂર હત્યા કરવાના ચકચારી મામલામાં ઉત્તર પ્રદેશ પોલીસે એટીએસ અને સુરતના પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટની મદદથી સુરતના ૩ શકમંદ યુવાનોને ઝડપી લેવાના પગલે પકડાયેલા ત્રણેય આરોપીઓ રસીદ પઠાણ, મૌલાના મોહસીન શેખ અને ફૈઝાન છીપાની અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાંથી રીમાન્ડ મંજુર કરાવવાના પગલે પગલે આજે ત્રણેય આરોપીઓ મોડી રાત સુધીમાં ઉત્તર પ્રદેશ પહોંચી જવાની તૈયારીમાં છે ત્યારે આરોપીઓની કમલેશ તિવારી સાથે ઓળખ કરાવવામાં એક હિન્દુ અગ્રણીની ભૂમિકા હોવાનું સપાટી પર આવતા પોલીસે એ દિશામાં તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

દરમિયાન એટીએસ ટીમ દ્વારા ઝડપી લેવાયેલ વોન્ટેડ અસ્ફાક મૂળ અમદાવાદના જુહાપુરાના અને ફૈઝાન છીપા અમદાવાદના જમાલપુરના રહેવાસી હોવાનું ખુલ્યુ છે. આ બન્ને આરોપીઓ વર્ષોથી સુરતમાં સ્થાયી થયા છે. એક ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી છે કે, અસ્ફાક જ્યાં મેનેજર તરીકે દવાની કંપનીમાં કાર્ય કરતો તે સ્થળે જેમની પાસે કર્મચારીઓના ડેટા રહેતા ત્યાંથી રોહીત સોલંકી નામના યુવાનનુ આધારકાર્ડ ફેક આઈડી આધારે બનાવી કમલેશ તિવારી સાથે ચેટીંગ કરતો. ગુજરાતમાં બ્રાંચ કઈ રીતે ખોલી શકાય ? તે બાબતે પણ ચર્ચા કરતો અને આધારે જ કમલેશ તિવારી સાથે ગાઢ સંબંધ બાંધી એક હિન્દુ અગ્રણીની મદદથી નજીક આવી ગયેલ. હત્યામાં વપરાયેલ પિસ્તોલ અને ચાકુ અસ્ફાકે જ સુરતમાંથી જ મેળવ્યાનું ખુલતા સુરત ક્રાઈમ બ્રાંચ આ દિશામાં તપાસ કરી રહી છે.

આરોપીઓ પાસેથી મેળવેલા મોબાઈલના ડેટા યુપી પોલીસ દ્વારા એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. દરમિયાન એક હોટલમાં જ્યાં આરોપીઓ દ્વારા મુછો મુંડાવી અને વેશપલ્ટો કરેલ એવા લોહીવાળા કપડા યુપીની એક હોટલમાંથી પોલીસે કબ્જે કર્યાનું ગુજરાત પોલીસના સૂત્રો જણાવે છે.

અત્રે યાદ રહે કે કમલેશ તિવારી દ્વારા ગોડસેનું મંદિર બનાવવાની જાહેરાત સાથે ઈસ્લામના સર્વોચ્ચ ધર્મગુરૃ અંગે આપત્તિજનક ટિપ્પણી કર્યા બાદ તેમના માથે જોખમ તોળાતુ હતું. તેમની હત્યા માટે ઈનામ પણ જાહેર કરવામાં આવેલ. કમલેશ તિવારીના પત્નિએ સત્તાવાળા ઉપર આરોપ મુકયા છે. દરમિયાન કમલેશ તિવારીએ હત્યા અગાઉ ભાજપના નેતાઓ સામે વ્યકત કરેલ રોષનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે.

(12:17 pm IST)