Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ચૂંટણી જીતવા ભાજપ બુટલેગરોના શરણે કમળની થેલીમાં દારૂ વહેચાયોઃ ચાવડા

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કહે છે કે ભાજપને જીતાડવા પોલીસ તંત્ર ઉંઘ માથે

અમદાવાદ તા. ર૧ :.. રાજયમાં આવતીકાલે રાજયની ૬ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે તે અગાઉ ગત રાત્રે લુણાવાડા, બાયડ અને પોરબંદરમાંથી દારૂનો જથ્થો પકડાતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે, ચૂંટણી અગાઉ પોલીસની મદદથી બુટલેગરોને છૂટોદોર આપી દીધો છે. રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે આક્ષેપ કરતા તેમણે જણાવ્યું કે, ગૃહમંત્રીના આદેશ બાદથી જ પોલીસ તંત્રની મદદથી દારૂનું વેચાણ કરવામાં આવે છે. શનિવારની રાતે બાયડમાંથી બે કન્ટેનર દારૂ પકડાયો છે. જેને લઇને અરવલ્લી ડીવાયએસપી નિસર્ગ પટેલે દારૂ પકડાવા પર નિવેદન આપ્યું છે કે, પોલીસને વૃંદાવન હોટેલમાં દારૂ હોવાનો કોલ મળયો હતો. તપાસ કરતાં ત્યાંથી ર લાખની કિંમતનો દારૂ પકડાયો હતો. સાથે સાથે ૧ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જો કે, દારૂ કોણે મંગાવ્યો છે અને કયા રૂટ પરથી દારૂ આવ્યો છે તે જાણવા માટે સીસી ટીવીની તપાસ કરવામાં આવશે.

 

બાયડમાંથી દારૂ પકડાયા બાદ કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી તેમનાં કાર્યકરો સાથે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ડીવાયએસપીને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે જયારે આ અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર નિશાન સાધતા કહયું હતું કે, ભાજપ દારૂના નામે લોકોને લલચાવે છે. ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધી અને બીજી તરફ ખુલ્લે આમ દારૂ વેચાય છે. બધી બોર્ડર પર પોલીસ છે તો દારૂ કયાંથી આવે છે. રાજયના ગૃહમંત્રી અને બાયડના પ્રભારી પ્રદીપસિંહ જે હોટેલમાં રોકાય છે ત્યાં દારૂ પકડાય છે. આખું પોલીસ તંત્ર ભાજપને જીતાડવા ખેપ મારી રહ્યું છે. ભાજપ  સરકાર ખુલ્લે આમ દારૂનું  વિતરણ કરાવે છે. ગૃહમંત્રીએ આવા સંજોગોમાં રાજીનામું  આપવું જોઇએ. જે ધારાસભ્યો દારૂ બંધીની  વાત કરતા હતા એ જ આજે દારૂ મંગાવે છે. પોરબંદરમાંથી પણ દારૂનો જથ્થો ઝડપાયો છે. એસઓજીએ બાતમીને આધારે કેશવ ગામે વાડીમાંથી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. આ કેસમાં વિરમ કેશવાલા નામના શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ ૧.ર૯ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.આ ઉપરાંત પ્રમુખ અમિત ચાવડાએ લુણાવાડા વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ ગામમાં જઇ દારૂનું વિતરણ કર્યુ હતું તેના ફોટા મિડીયા સમક્ષ રજૂ કર્યા હતાં. ભાજપના કમલવાળી થેલીમાં દારૂ આપવામાં આવ્યો હતો. ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યો હજુ પણ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આ તમામ મુદે ચૂંટણીપંચને લેખિત ફરીયાદ કરવામાં આવશે.

(11:49 am IST)