Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

બે બાળકી રમતા પાણીની ટાંકીમાં પડી : એકનું મોત

સુરતમાં બનેલી ઘટનાને લઇને ભારે ચર્ચા : બીજી બાળકીને ૧૦૮ની સહાયથી સુરત નવી સિવિલમાં દાખલ કરાઈ : એક બાળકીને બચાવવામાં સફળતા મળી

અમદાવાદ, તા.૨૧ : સુરતના મગદલ્લા વિસ્તારમાં બે બાળકી રમતા રમતા પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. ટાંકીમાં પડી જવાના કારણે એક બાળકીનું મોત નિપજયું હતું. જયારે અન્ય બાળકીને સ્થાનિકોની મદદથી ૧૦૮ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજીબાજુ, આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, બિહારના મુળ વતની અને નોકરીની શોધમાં સુરત આવેલો પરિવાર બે મહિનાથી સુરતના મગદલ્લા વિસ્તારમાં વસવાટ કરતો હતો. મગદલ્લા વિસ્તારમાં બે બાળકીઓ રમત રમી રહી હતી. રમતા રમતા અચાનક બંન્ને બાળકીઓ પાણીની ખુલ્લી ટાંકીમાં પડી ગઈ હતી. ટાંકીમાં પડેલી બંન્ને બાળકીઓ પૈકી ૯ વર્ષીય બાળકી સરસ્વતીનું ટાંકીના પાણીમાં ડુબી જવાના કારણે મોત નીપજયું હતું. ઘટનાની જાણ સ્થાનિકોને થતાં સ્થાનિકો દ્વારા બીજી બાળકીને ટાકીમાંથી બહાર કાઢી હતી અને તાત્કાલિક ૧૦૮ની ટીમને જાણ કરતા બાળકીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસેે  પણ નવી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઈ આગળની તપાસ હાથ ધરી છે. જો કે, માસૂમ બાળકીઓ પાણીની ટાંકીમાં પડી જવાના બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. ખાસ કરીને સ્થાનિકો ઘેરા શોકમાં ગરકાવ બન્યા હતા.

(9:28 pm IST)