Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

ગુજરાત ચેમ્બર અને એશિયન આફ્રિકી ચેમ્બર વચ્ચે MOU

ગુજરાતને મેડિકલ ટુરિઝમનું હબ બનાવવા કવાયત : મેડિકલ ટુરીઝમને પ્રોત્સાહન આપવા, એફોર્ડેબલ હેલ્થકેર ઉપલબ્ધ બનાવવા સહિતના મુદ્દે ફોરમનું આયોજન કરાયું

અમદાવાદ,તા. ૨૧ : એશિયન પ્રદેશમાં સીંગાપોર, બેંગકોક, થાઇલેન્ડ સહિતના શહેરો મેડિકલ ટુરીઝમના હબ બની ગયા છે અને વિશ્વભરમાંથી આશરે ૬૦ ટકા લોકો આવા મેડિકલ હબ તરફ સારવાર માટે વળ્યા છે ત્યારે ગુજરાતને પણ હવે મેડિકલ ટુરીઝમનું હબ બનાવવાની દિશામાં ગંભીર કવાયત હાથ ધરવામાં આવી છે. આ માટે પોષાય તેવા દરે આરોગ્યવિષયક સેવા ઉપલબ્ધ બનાવવા, વેલનેસ-મેડિકલ ટુરીઝમને પ્રોત્સાહન આપવા, મેડિકો લીગલ કેસીસ કંટ્રોલ કરવા, અત્યાધુનિક અને તમામ પ્રકારની તબીબી સેવા અને સારવાર ઉપલબ્ધ બનાવવા સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેમ જ ભારત સરકારના આયુષ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ગુજરાત સરકારના સહયોગથી અમદાવાદ શહેરમાં ગ્લોબલ હેલ્થકેર લીડરશીપ ફોરમ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ-વિદેશથી નિષ્ણાત તબીબો, આરોગ્ય અને તબીબી સેવાના નિષ્ણાત તજજ્ઞો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા, જેઓએ શહેરમાં સૌપ્રથમવાર યોજાયેલા આ પ્રકારના ફોરમમાં ઉપરોકત મહત્વનો સૂર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે ગુજરાતમાં હેલ્થકેર સેક્ટરને વેગવંતુ અને વૈશ્વિક ફલક પર ખ્યાતિપ્રાપ્ત બનાવવા અને સોશ્યો ઇકોનોમીક ક્ષેત્રે તેને પ્રમોટ કરવા સહિતના મામલે મહત્વના એમઓયુ પણ થયા હતા. આ પ્રસંગે એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને ફાઉન્ડર ડો.જી.ડી.સિંહે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં સૌપ્રથમવાર આ પ્રકારનો ગ્લોબલ હેલ્થકેર લીડરશીપ ફોરમ પ્રોગ્રામ યોજાયો છે, જે ગુજરાતના મેડિકલ અને હેલ્થકેર સેકટરના વિકાસ અને પ્રગતિ માટે ખૂબ ઉપયોગી અને માર્ગદર્શક સાબિત થશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથે થયેલા એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સના એમઓયુને આગામી વાયબ્રન્ટ ગુજરાત સમીટમાં પણ રજૂ કરવામાં આવશે. આ ફોરમ વાયબ્રન્ટ ગુજરાત પહેલાનો ભાગ છે, જેમાં દેશ-વિદેશના મહાનુભાવોએ હાજર રહીને તેને સફળ બનાવ્યો છે. ડો.જી.ડી.સિંહે વધુમાં ઉમેર્યું કે, યુનાઇટેડ નેશન્સ દ્વારા સૂચિત જે ગ્લોબલ ગોલ છે તે પૈકીના ત્રણ નંબરના ગોલ- ગુડહેલ્થ અને વેલ બીઇંગને ધ્યાનમાં રાખીને આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે કે તેને કેવી રીતે હાંસલ કરી શકાય. હેલ્થકેર અને મેડિકલ ટુરીઝમના ક્ષેત્રે હવે ગુજરાતને કેવી રીતે હબ બનાવી શકાય તે દિશામાં પણ ગંભીર અને સક્રિય વિચારણા હાથ ધરાઇ છે. તેમણે તબીબી આલમને તેમના વ્યવસાયમાં નૈતિકતા, માનવતા અને પ્રમાણિકતાને અગ્રીમ પ્રાધાન્યતા આપવા અનુરોધ કર્યો હતો. ડો.જી.ડી.સિંહે  તબીબી આલમ માટે ડિગ્રી પ્રદાન થાય ત્યારે જ નૈતિકતા અને માનવતાનો શપથ લેવડાવો કલોઝ લાગુ કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પદ્મશ્રી ડો.વિજયકુમાર શાહને લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ અપાયો હતો. તો રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમાર, ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશનના કમિશનર ડો.એચ.જી.કોશીયા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ડો.જયમીન વસા સહિતના મહાનુભાવોએ ફોરમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ફોરમમાં નિષ્ણાતોના પેનલ ડિસ્કશન અને વકતવ્યનું પણ આયોજન કરાયું હતું.

(9:27 pm IST)