Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

પાટીદાર શહીદોના પરિજનોને હજુય નોકરી મળી નથી : રેશ્મા

રેશ્મા પટેલે રૂપાણીને પત્ર લખી માંગણી કરી : રેશ્મા પટેલે ભાજપમાં જ રહીને પોતાના પક્ષ સામે બળાપો કાઢ્યો : રેશ્મા પટેલના બદલાયેલા વલણને લઇ ચર્ચાઓ

અમદાવાદ,તા.૨૧ : ભૂતપૂર્વ પાસ કન્વીનર રેશ્મા પટેલને જાણે અચાનક પાટીદારોની માંગણીઓ યાદ આવી ગઈ હોય તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. રેશ્મા પટેલે આ પત્ર પોતાના ફેસબુક એન્કાઉન્ટ પેજ પરથી મુખ્યમંત્રીને લખ્યો છે. જો કે, રેશ્મા પટેલ દ્વારા સીએમને પત્ર લખવાના વલણ અને અચાનક પાટીદાર ભાઇઓની યાદ આવી જતાં ભાજપની સાથે સાથે પાટીદાર સમાજમાં પણ ભારે ચર્ચા અને આશ્ચર્યનો વિષય બન્યો છે. બીજીબાજુ, રેશ્મા પટેલ અંદરખાને ભાજપથી નારાજ છે કે શું કે તે રિસાયા છે તેવી ચર્ચાએ પણ જોર પકડયું છે. પાટીદાર અનામત આંદોલન બાદ થોડા સમય પહેલાં ભાજપમાં જોડાયેલી રેશ્મા પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આદરણીય મુખ્યમંત્રી સાહેબ, તા.૨૧મી ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ હું ભાજપ સાથે જોડાઈ હતી. આજે એક વર્ષ પૂરું થઈ ગયું છે. હું સરકારનું ધ્યાન દોરવા માગું છું કે, ભાજપમાં જોડાતી વખતે સમાજની અમુક માંગોને પૂર્ણ કરવાની શરતો સાથે અમે બીજેપીમાં જોડાયા હતા. આજે તેમાંની એક મહત્વપૂર્ણ માંગ એવી શહીદોને નોકરી અપાવવાની માંગ પણ પૂર્ણ થઇ નથી. આ વાતને હું મારી ફરજ સમજીને સરકાર સમક્ષ મારો પક્ષ મુકી રહી છું અને આ મહત્વપૂર્ણ માંગને સમાજહિતમાં પૂર્ણ કરવા માટે વિનંતિ કરું છું. રેશ્મા આગળ લખે છે કે, મને જ્યારે પણ તક મળી ત્યારે હું નેતાગણ સામે સમાજની આ મહત્વપૂર્ણ માંગણીને પૂરી કરવાની દરખાસ્ત મૂકતી રહી છું, પરંતુ ખૂબ દુઃખ સાથે મારે લખવું પડે છે કે, અત્યાર સુધી ફક્ત એક ઘાયલ ભાઇના પરિવારને નોકરી મળી છે. અન્ય પરિવારો નોકરીથી વંચિત છે. શહીદ પરિવારને નોકરી આપવા માટે એક વર્ષનો સમય પૂરતો છે. એક વર્ષમાં તમામ પરિવારને નોકરી મળવાની પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈતી હતી, આ વાત સ્વભાવિક છે. હું સરકારને વિનંતિ કરું છું કે આ પ્રક્રિયા ઝડપથી પૂરી કરવામાં આવે. જેથી શહીદ પરિવારના હકદાર લાભાર્થીઓને નોકરીનો લાભ મળે. આમ રેશ્મા પટેલે ભાજપમાં જ રહીને પોતાના પક્ષ સામે બળાપો કાઢ્યો છે. ભાજપ પાટીદાર સમાજની માંગણી પૂરી કરશે તેવી માંગણી સાથે રેશ્મા પટેલ પક્ષમાં જોડાયા હતા. જોકે, હવે તેમના પત્ર પરથી સ્પષ્ટ થાય છે ભાજપે જે તે સમયે રેશ્મા પટેલને જે વચનો આપ્યો હતા તે પૂરા થયા નથી. રેશ્મા પટેલના બળાપા બાદ શિસ્ત માટે જાણીતી ભારતીય જનતા પાર્ટી તેમની શું પગલાં લે છે તે જોવાનું રહ્યું. એટલું જ નહીં રેશ્મા પટેલ પણ ભાજપ સાથે પોતાનું જોડાણ ચાલુ રાખે છે કે પછી પક્ષને રામરામ કરશે એ પણ આગામી સમયમાં માલુમ પડશે. રેશ્મા પટેલે જણાવ્યું કે, સમાજની કેટલીક માંગણીઓને લઇ હું ભાજપમાં જોડાઇ હતી, પરંતુ અત્યાર સુધી સરકારે અમારી કેટલીક માંગણીઓ પુરી કરી નથી. પરંતુ સમાજની માંગણીઓને લઇને લડતી રહીશ. તમને જણાવી દઇએ કે, એક વર્ષ અગાઉ ભૂતપૂર્વ પાસ કન્વીનર રેશ્મા પટેલ અને વરૂણ પટેલ ભાજપમાં જોડાયા હતા. તે વખતે રાજકારણ અને પાટીદારોમાં ઉગ્ર રોષની લાગણી વ્યાપી હતી. હવે ફરી એકવાર રેશ્મા પટેલને પાટીદાર સમાજના ભાઇઓની યાદ આવતાં સમાજમાં પણ ભારે ચર્ચા અને આશ્ચર્યની લાગણી ફેલાઇ છે. તો હવે ભાજપથી અંદરખાને રેશ્મા પટેલ નારાજ હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે ત્યારે આગામી દિવસોમાં તે ફરી એકવાર હાર્દિક પટેલ સાથેના આંદોલનમાં જોડાય છે કે કેમ તે મુદ્દે પણ જોવાનું રસપ્રદ રહેશે.

(7:53 pm IST)
  • અમદાવાદ:MLA ગુજરાત લખેલી કારચાલકની દાદાગીરી:ડો.મિતાલી વસાવડાને બોલ્યા અપશબ્દો:ડો.મિતાલી શેલ્બી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે :MLA ગુજરાત લખેલી કારનાં ચાલકે બોલ્યા અપશબ્દો:પ્રજાના સેવકનાં કારચાલકનું ડોક્ટર સાથે અસભ્ય વર્તન: મહિલા ડોક્ટરે સોલા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ access_time 10:03 pm IST

  • અમરેલીના ત્રણ લોકોને ગેંગરેપ કેસમાં ફસાવવાની ધમકી આપવાના મામલે ત્રણ આરોપીની ધરપકડ access_time 12:38 am IST

  • દ્વારકા:પાકિસ્તાનની ફરી નાપાક હરકત:ભારતીય જળસીમામાંથી 2 બોટોના અપહરણ:15થી વધુ ખલાસીઓના પણ અપહરણની આશંકા:અપહરણ કરાયેલી બોટો ઓખા-બેટની:અપહરણ કરાયેલી બોટોનો આક વધવાની આશંકા : ખુદા દોસ્તએ કરમ અને અલ ગરીબે નવાઝ નામની બોટોના અપહરણ access_time 9:44 pm IST