Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

અમદાવાદની વી.અેસ., શારદાબેન, અેલ.જી., નગરી હોસ્પિટલમાં આઉટસોર્સિંગ મેડિકલ સર્વિસ લેવા માટે કોર્પોરેશન તૈયાર

અમદાવાદ: AMCના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટના મતે વી.એસ., શારદાબેન, એલ.જી અને નગરી હોસ્પિટલમાં આઉટસોર્સિંગ મેડિકલ સર્વિસ લેવા માટે કોર્પોરેશન તૈયાર છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટે કહ્યું કે, “રોડ-રસ્તા, પાણી અને ગટરની સુવિધા પૂરી પાડવાનો અમારો મેન્ડેટ છે. અમે આ સેવાઓને વધુ મજબૂત બનાવવા માગીએ છીએ. એટલે જ સ્વૈચ્છિક રીતે પૂરી પાડવામાં આવતી અન્ય સેવાઓનું આઉટસોર્સિંગ કરવામાં આવશે.”

આ કારણે કરાશે ખાનગીકરણ

અમૂલ ભટ્ટે જણાવ્યું કે, “સ્વીમિંગ પુલની જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) મેડિકલ સુવિધાઓનું ખાનગીકરણ કરવા માટે તૈયાર છે. મેડિકલ સર્વિસનું ખાનગીકરણ કરતાં જે રકમ બચશે તેને રોડ-રસ્તા, પાણી અને ગટરની સુવિધાઓ વધુ સારી બનાવવા પાછળ ખર્ચી શકાશે. AMCએ ગાર્ડનની જાળવણીનું કામ ખાનગી એજન્સીઓને સોંપવાનું શરૂ કરી દીધું છે.”

નવી વીએસ હોસ્પિટલ માટે આ પ્લાન

એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, વી.એસના કેમ્પસમાં બનાવાયેલી નવી હોસ્પિટલ ઉદ્ઘાટન બાદ પ્રાઈવેટ સેક્ટરના પ્રોફેશનલ્સ દ્વારા ચલાવવામાં આવશે. અધિકારીઓના મતે, નગરી હોસ્પિટલનું પણ ખાનગીકરણ કરવા માટે AMC વિચારણા કરી રહ્યું છે. હાલ તો આ હોસ્પિટલનું રિનોવેશન ચાલી રહ્યું છે. રિનોવેશન પૂર્ણ થતાં આઠ માળની હોસ્પિટલ તૈયાર થઈ જશે.

(5:17 pm IST)