Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

કાલે પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ, ભાવનગર, બોટાદ, ખેડા, આણંદ મહિસાગર ,દાહોદ, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ :  રાહત નિયામકે બેઠકને સંબોધતા જણાવ્યુ કે, આજે સવારે 6 થી બપોરના 2 સુધી રાજયમાં 30 જિલ્લાના 131 તાલુકામાં વરસાદ નોંધાયેલ છે. જેમાં સૌથી વધારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં 162 એમ.એમ. વરસાદ નોંધાયેલ છે. રાજયમાં અત્યાર સુધી તા. 21 સપ્ટેમ્બર સુધીમાં 642. 06 મીમી વરસાદ થયેલ છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 840 મી.મી.ની સરખામણીએ 76.44 % છે.

IMDના અઘિકારી દ્વારા જણાવાયુ હતું કે, રાજયમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં આવતીકાલે 22મી સપ્ટેમ્બરના રોજ પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે તથા રાજકોટ,જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ભાવનગર, બોટાદ, ખેડા, આણંદ મહિસાગર ,દાહોદ, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. તા. 25 અને 26 સપ્ટેમ્બર સુઘી આણંદ,વડોદરા,ભરૂચ,નર્મદા,તાપી,છોટાઉદેપુર, સુરત નવસારી, વલસાડ,ડાંગમા ભારે વરસાદની સંભાવના રહેલી છે. આમ ઉ૫રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા બચાવ કાર્ય માટે NDRF અને SDRF ની ટીમો એલર્ટ રાખવા કમાન્ડન્ટ, NDRF અને DySp , SDRF ને સૂચના આ૫વામાં આવી છે.

કૃષિ વિભાગ દ્વારા જણાવાયુ છે કે, ચાલુ વર્ષે અંદાજીત 83.84 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 20મી સપ્ટેમ્બર સુધીમાં થયેલ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 85.83 લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 98.01% વાવેતર થયેલ છે. જયારે સરદાર સરોવર નર્મદા નિગમ લિ. દ્વારા જણાવાયુ છે કે, સરદાર સરોવર જળાશયમાં હાલ 186731 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 55.89 % છે.

સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયુ છે કે, રાજયના 206 જળાશયોમાં 418556 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 75.09 % છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ- 79 જળાશય, એલર્ટ ૫ર કુલ- 12 જળાશય તેમજ વોર્નીગ ૫ર- 13 જળાશય છે.

એન.ડી.આર.એફ.ની કુલ 20 ટીમમાંથી 18 ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે. જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 2-રાજકોટ, 1-ગીર સોમનાથ, 1-અમરેલી, 1-ભાવનગર, 1-જુનાગઢ, 2-જામનગર, 1-પાટણ, 1-મોરબી, 1- દેવભુમી દ્રારકા, 1-પોરબંદર, 1- ખેડા, 1-પંચમહાલ, 1- ગાંઘીનગર ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. અને 1-ટીમ વડોદરા અને 1-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.

એસ.ડી.આર.એફ.ની કુલ 11 ટીમમાંથી 8 ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જેમા 1 –રાજકોટ, 1-ગોંડલ, 1- જુનાગઢ, 1-કેશોદ, 2- જામનગર ,1- રાલજ (આણંદ) અને 1- ખેડા ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. 1-ગોઘરા, 1-વાવ, 1-વડોદરા , 1-અમદાવાદ અને 1-વાલીયા ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે.

ઇસરો,ફોરેસ્ટ વિભાગ,આરોગ્ય વિભાગ, ફિશરીઝ વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, જી.એમ.બી., શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જી.એસ.આર.ટી.સી.,ફાયર વિભાગ, કોસ્ટગાર્ડ, બાયસેગ તથા માહીતી ખાતાના અઘિકારીઓ મીટીંગમાં હાજર રહયા હતા અને આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના અંગે IMD ની આગાહી ધ્યાને લઇ રાહત બચાવના પગલાં અંગે તમામ વિભાગોની તૈયારી અંગે ચર્ચા/સમીક્ષા કરવામાં આવી હતી

રાહત કમિશનર અને અધિક સચિવ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવનાવાળા ઉ૫રોકત જિલ્લાઓમાં રાહત બચાવ અંગે કોઇ પણ પરિસ્થિતિને પહોંચી શકાય તે રીતે સંપૂર્ણ એલર્ટ રહેવા લાઇન વિભાગના હાજર અઘિકારીઓને સૂચના આ૫વામાં આવી હતી. સાથોસાથ રાહત કમિશનરે વરસાદની IMD ની આગાહી ધ્યાને લેતા કડાણા ડેમની ઈનફ્લો / આઉટફ્લો અંગે રીપોર્ટ મોકલવા સિંચાઇ વિભાગના હાજર અઘિકારીને સૂચના આ૫વામાં આવી છે

(10:15 pm IST)