Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

સર્વેલન્સ દરમ્યાન પેમ્પલેટ, સ્ટીકર, પોસ્ટર દ્વારા ગ્રામજનોને વાહકજન્ય રોગથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા

કોઈ પણ તાવ મલેરિયા હોય શકે છે એટલે તાવ આવે તો આરોગ્ય કાર્યકર અથવા તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને લોહીની તપાસ કરાવવી જોઈએ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત  2022 સુધી ગુજરાત અને 2030 સુધીમા સંપૂર્ણ ભારત મેલેરિયા મુક્ત બને તેવા ઉદેશ્ય સાથે હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન મેલેરિયા શાખા દ્વારા અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ડૉ.અનિલ ધામેલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેષ પરમાર અને અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ,તાલુકા હેલ્થ ઓફિસરોના માર્ગદર્શન મુજબ ઝુંબેશના ભાગરૂપે વાહક જન્ય રોગ નિયંત્રણ કામગીરી કરવામાં આવી રહી છે.

 અમદાવાદ જિલ્લાના 466 ગામમાં એક સાથે 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સેવા વિસ્તારમાં  916 ટીમ દ્વારા સતત બીજા દિવસે હાઉસ ટુ હાઉસ ફીવર સર્વેલન્સ તેમજ પોરાનાશક કામગીરીની  ડ્રાઇવ  હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા સર્વેલન્સ દરમ્યાન મેગા  પેમ્પલેટ,  સ્ટીકર, પોસ્ટર, ફોર્મશીટ દ્વારા ગ્રામજનોને મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા સહિતના વાહકજન્ય રોગથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળામાં વિદ્યાર્થીઓને પણ વાહકજન્ય રોગથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. કોઈ પણ તાવ મલેરિયા હોય શકે છે  એટલે તાવ આવે તો આરોગ્ય કાર્યકર અથવા તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને લોહીની તપાસ  કરાવવી જોઈએ. પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા જોઇએ. આપને આવેલ તાવ મેલેરિયા કે ડેન્ગ્યુ હોઇ શકે છે એટલે વહેલી તકે આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો. આપના ઘરમાં કે ઘરની આજુબાજુ પાણી ભરેલા પાત્રોનો કાયમી નિકાલ કરવો. જેથી મચ્છર જન્યરોગને આપણે સાથે મળીને અટકાવી શકીએ. સર્વેલન્સના પહેલા દિવસે અમદાવાદ જીલ્લાની કુલ વસ્તી 1667608 માંથી 1299324 વસ્તી અને 277935 ઘરોમાંથી 229393 ઘરો આવરી લેવામાં આવ્યા હતાં. બાકી રહેલ વસ્તી અને ઘરોને બીજા દિવસે આવરી લેવામાં આવ્યા હતા અને 368284 વસ્તી અને 48543 ઘરમાં સર્વેલન્સ કરીને 270 પોઝિટિવ પાત્રો શોધવામાં આવ્યા હતા અને કર્મચારીઓ દ્વારા દવા નાખીને સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. તેમ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું.

(6:46 pm IST)