Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

મોડાસા ચાર રસ્તા નજીક આવેલ કોમ્પલેક્ષમાં વેપારીની વાનમાંથી 1.10 લાખ ભરેલ થેલાની ઉઠાંતરી કરનાર શખ્સ સીસીટીવીમાં કેદ

મોડાસા:ચાર રસ્તા પોલીસ ચોકી નજીક આવેલ કોમ્પલેક્ષ પાસે વેપારીની  વાનમાં પંચર કરી વાનની સીટમાં મૂકેલ રૂપિયા ૧.૧૦ લાખ ભરેલા થેલાની ચીલ ઝડપ કરાઈ હતી. ચાર રસ્તા પોલીસ ચોકી પાસે આવેલ કોમ્પલેક્ષ આગળ ઘટના બની હતી. આ ચીલ ઝડપ કરનાર શખ્શ સીસીટીવીમાં કેદ થયો હતો.આ અંગે ભોગ બનનાર વેપારીએ ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

મોડાસાના સર્વોદયનગરમાં રહેતા મિતેષકુમાર મંગળદાસ ભાવસાર છુટક સેલીંગનો ધંધો કરે છે. જેઓ સોમવારના રોજ શેહરના ચાર રસ્તા પાસે આવેલ શ્રીરામ કોમ્પલેક્ષમાં ઈકો ગાડી લઈ માલ-સામાન આપવા માટે ગયા હતા અને રોડ ઉપર ગાડી ઉભી રાખી હતી તે દરમ્યાન વેપારીની વાનના ટાયરનું પંચર પાડી દઈ અજાણ્યા શખ્સે વેપારીની નજર ચૂકવી ગાડીના પાછળના દરવાજાનો કાચ ખોલી ગાડીમાં મૂકેલ રૂપિયા ૧ લાખ ૧૦ હજાર ભરેલ થેલો લઈ શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસ ચોકી નજીક અને ભરચક વિસ્તારમાં આવેલ શ્રીરામ કોમ્પલેક્ષ પાસે થી વાનમાંથી રૂપિયા ભરેલ થેલાની ચીલ ઝડપ કરાતાં ચકચાર મચી ગઈ હતી. જેથી આ અંગે મિતેશકુમાર મંગળદાસ ભાવસારે મોડાસા ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(5:19 pm IST)