Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

કોણે કહ્યું કાગડા બધે કાળા હોય?

ગાંધીનગરના ધારીસણા ગામમાં જોવા મળ્યો સફેદ કાગડો

શ્રાદ્ઘ પક્ષ આવ્યો છે ત્યારે ગાંધીનગરના આ ગામડામાં જોવા મળતા સફેદ કાગડાને લઈને ગામવાસીઓ જ નહીં આસપાસમાં દરેકને કુતૂહલતા જાગી છે

અમદાવાદ, તા.૨૧: ભાદરવા મહિનામાં આજથી શ્રાદ્ઘ પક્ષ શરું થઈ રહ્યો છે ત્યારે જયારે સનાતન ધર્મમાં માનનારા હિંદુઓ આ ૧૫ દિવસ પોતાના પૂર્વજોનું શ્રાદ્ઘ, પૂજા, તર્પણ કરતા હોય છે ત્યારે કાગવાસ પણ નાખતા હોય છે. ધર્મમાં જણાવ્યા મુજબ કાગવાસ નાખવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. આ શ્રાદ્ઘ પક્ષ દરમિયાન પિતૃ તેમના લોકમાંથી કાગ સ્વરપે ધરતી પર આવતા હોવાનું અને તેમના પ્રિયજન દ્વારા આપવામાં આવેલા કાગવાસથી તૃપ્ત થતા હોવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે. ત્યારે આ દિવસોમાં લોકો પોતાની આસપાસ કાગડાને શોધતા હોય છે તેવામાં ગાંધીનગરના દેહગામ તાલુકાના ધારીસાણા ગામના રહેવાસીઓ માટે એક આશ્ચર્યજનક ઘટના બની જયારે તેમણે ગામમાં સફેદ કાગડો જોયો.

ધારીસણાના સરપંચ શૈલેષ પટેલે કહ્યું કે તેમણે આશરે ૨૦ દિવસ પહેલા આ સફેદ કાગડાને જોયો હતો. જયારે રોજની જેમ તેઓ ચા પીવા માટે કિટલી પર ગયા હતા. ત્યારે દરરોજની આદત મુજબ પક્ષીઓને સેવ અને ગાઠિયા આપ્યા હતા. ત્યારે મે જોયું કે બધા કાગડા પોતાનું ચણ ચરી રહ્યા હતાં. તેવા સમયે થોડે દૂર એક સફેદ કાગડો બેઠો હતો. જે ચણવા માટે પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે તે બીજા બધા કાગડા કરતાં થોડો ધીમો છે અને બીજા સામાન્ય કાગડાઓએ તેને પોતાના ગ્રુપથી દૂર રાખ્યો હોય તેમ એકલો અટુલો હતો.

નિષ્ણાંતોનું કહેવું છે કે આ કાગડો એટલે સફેદ હતો કે પ્રતિ ૧૦૦૦૦ પક્ષીઓમાં એકાદ પક્ષીમાં જિન્સ ડિસઓર્ડર જોવા મલે છે. જેના કારણે આ પક્ષીમાં ખૂબ જ દુર્લભ ગણાતા ચામડીનો રંગ નક્કી કરતા મેલેનિન નામના તત્વનો અભાવ હોવાતી એલ્બિનિઝમ અથવા લ્યુઝમ નામનો રોગ જોવા મળે છે. ગાંધીનગરના ઇંદ્રોડા પાર્કના વેટરનિટી ડોકટરે કહ્યું કે આ મેલાનિન પિગ્મેન્ટેશનની ડિફિસિએન્સીના કારણે થાય છે જેના કારણે પક્ષી સફેદ થઈ જાય છે. આ પ્રકારના કાગડા ખૂબ જ દુર્લભ હોય છે અને આખા ગુજરાતમાં આવા કાગડા માંડ એક અથવા બે જોવા મળે છે.

ઓર્નિથોલોજિસ્ટ ભરથ જેઠવાએ કહ્યું કે 'અલ્બિનિઝમ અને લ્યુઝમ બંને બે જુદા જુદા જેનેટિક વેરિએશન છે જેમાં પ્રાણીઓ સફેદ રંગના દેખાય છે. બંને જેનેટિક બિમારીના લક્ષણો જે તે પક્ષી કે પ્રાણીની આંખના કલરથી ખબર પડી શકે છે. જેમ કે જો પક્ષી સફેદ હોવા સાથે તેની આંખ લાલ રંગ પડતી હોય તો તેમાં એલ્બિનો ડિસઓર્ડર છે જયારે જો આંખનો રંગ નોર્મલ હોય પણ ફકત શરીરનો રંગ જ સફેદ હોય તો તે લ્યુસિટિક ડિસઓર્ડર છે.

હેલ્થ સેકટરના ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતાં અમદાવાદના નિમેશ નડોલિયાએ કહ્યું કે, તે અને તેમનો મિત્ર હર્ષ દોડિયા આ ગામડે ગયા હતા અને તેમણે આ પક્ષી ત્યાં જોયું હતું. તેમણે આ પક્ષીની કેટલીક તસવીરો લીધી હતી અને સોશિયલ મીડિયા પર મૂકી હતી જે બાદ આ સમાચાર જંગલની આગની જેમ ચોતરફ પ્રસરી ગયા હતા. તેમણે વધુમાં કહ્યું કે આવા દુર્લભ પક્ષીઓ અને પ્રાણીઓની તસવીર લેવાનો તેમનો શોખ છે. અમે ઉંદર અને સાપમાં પણ અલ્બિનિઝમનો ડિસઓર્ડર જોયો છે.

(3:51 pm IST)