Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

અમૂલ ડેરીએ પ્લાન્ટ સ્થાપવા રાજકોટના ભૂપગઢની ૧૦૦ એકર જમીન પસંદ કરી

ટોકન ભાવે આપવા કરી દરખાસ્ત : ત્યાં ૧ એકરનો ભાવ રૂ. ૩૫ થી ૪૦ લાખ છે

આણંદ તા. ૨૧ : વિશ્વ વિખ્યાત અમુલ ડેરીએ પોતાનો પ્લાન્ટ સ્થાપવા માટે ભૂપગઢ ગામની ૧૦૦ એકર જમીન પસંદ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ માટે તેને જિલ્લા કલેકટરને દરખાસ્ત પણ કરી છે. જિલ્લા કલેકટરે આ અરજી તાલુકા મામલતદાર કચેરીને સોંપતા તાલુકા મામલતદાર કચેરી દ્વારા જમીન માપણી અને ભાવ નક્કી કરવા સહિતની કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

દુનિયાના ડેરી બિઝનેસમાં પોતાનો અને સાથે સાથે ગુજરાતનો ડંકો વગાડનારી અમૂલ રાજકોટમાં પોતાનો ડેરી પ્લાન્ટ સ્થાપશે. આ માટે જિલ્લા તંત્ર દ્વારા ડેરીના પ્લાન્ટ માટે જામનગર રોડ તરફ આવેલા આણંદપર- સોખડા ગામમાં ૧૦૦ એકર જમીન પસંદ કરવાામાં આવી હતી. જો કે આ જમીન રૂડા વિસ્તારમાં આવતી હોય તેના ભાવ પણ વધુ હતા. જેથી અમુલ દ્વારા આ જમીનને પડતી મુકવામાં આવી છે. હવે આ જમીનની પસંદગી રદ કરીને અમુલ દ્વારા ભૂપગઢ ગામની નજીક ગઢકા ગામ તથા આર કે કોલેજથી ૫ કિમિ દૂર આવેલી સર્વે નં.૪૭૭ની ૧૦૦ એકર જમીન પસંદ કરી છે.

આ જમીન સરકારી ખરાબો છે. જે ટોકન ભાવે આપવા માટે અમુલ દ્વારા જિલ્લા કલેકટરને દરખાસ્ત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર જિલ્લા કલેકટરે તાલુકા મામલતદાર કચેરીને આગળની કાર્યવાહી સોંપી છે. જેને પગલે તાલુકા મામલતદાર કચેરી દ્વારા આ જમીનની માપણી અને ભાવ નક્કી કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

રાજકોટ તાલુકાના ભૂપગઢ ગામે જમીનનો ભાવ એક એકરના રૂ. ૩૫દ્મક ૪૦ લાખ બોલાઈ રહ્યા છે. આ ઉપરાંત ગઢકા પાસે તો જમીનના ભાવ આસમાને છે. ત્યાં એક એકરના અંદાજે એક કરોડ જેવો ભાવ બોલાઈ રહ્યો છે. ભૂપગઢ ગામે સરકારી તંત્ર અમુલને ૧૦૦ એકર ખરાબો ફાળવવાનો છે. જો કે આ ખરાબો ટોકન ભાવે આપવામાં આવનાર છે.

ભૂપગઢ ગામ નજીક પ્લાન્ટ સ્થાપવાથી અમુલને પરિવહન ખૂબ સરળ રહેવાનું છે. કારણકે આ સ્થળથી અમદાવાદ હાઇવે પણ નજીક થાય છે. આ ઉપરાંત ત્રીજો રિંગ રોડ પણ આ સ્થળ ખૂબ નજીક થાય છે. જેથી જામનગર અને અમદાવાદ બન્ને રોડ ઉપર જવા પરિવહનમાં ખૂબ સરળતા રહેશે. પરિવહન વ્યવસ્થા પણ આ સ્થળ પસંદગીમાં મહત્વનો મુદ્દો રહ્યો છે.

(1:05 pm IST)