Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

વડોદરા-પાદરા રોડ પર સમીયાલા ગામે નવા બંધાતા સ્મશાનનો સ્લેબ તૂટી પડતા આધેડ શ્રમજીવીનું મોત

શ્રમજીવીની પત્ની સહિત ત્રણ વ્યક્તિને ઇજા થતા સારવાર માટે ખસેડાયા

વડોદરા-પાદરા રોડ પર આવેલા સમીયાલા ગામે નવા બંધાતા સ્મશાનનો સ્લેબ અચાનક તૂટી પડતા એક આઘેડ શ્રમજીવીનું કરૃણ મોત નિપજ્યું હતું જ્યારે શ્રમજીવીની પત્ની સહિત ત્રણ વ્યક્તિને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ અંગે મળતી વિગત મુજબ સમીયાલા ગામમાં તંત્ર દ્વારા નવું સ્મશાન બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. આ સ્મશાનનો પ્રથમ સ્લેબ બની ગયો છે જ્યારે સ્મશાનની વરાળ નીકળવા માટે તેમજ તેની ઉપર અન્ય સ્લેબની કામગીરી ગઇકાલે સાંજે પૂર્ણ કરવામાં આવી હતી. સ્મશાનનું સ્લેબનું કામ પૂર્ણ થતાં ત્યાં કામ કરતા શ્રમજીવી દિનેશ ઉદેસિંહ બારીયા (રહે.સૈજાકુવા તા.પાદરા) તેની પત્ની ભાવના, અન્ય શ્રમજીવી જનક જયંતિ વસાવા અને તેની પત્ની નીકળવાની તૈયારી કરતા હતાં.

દરમિયાન સ્મશાનનો ત્રીજા માળનો સ્લેબ તૂટીને નીચે ચારેય શ્રમજીવીઓ પર પડયો હતો. આ બનાવના પગલે દોડાદોડી થઇ ગઇ હતી. સ્લેબ નીચે દબાઇ ગયેલા દિનેશ બારીયા સહિત ચારેયને સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં ગંભીર ઇજાગ્રસ્ત દિનેશનું મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. જ્યારે દિનેશની પત્ની ભાવના, અન્ય શ્રમજીવી જનક અને તેની પત્ની સારવાર હેઠળ છે.

(12:54 pm IST)