Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

રાજ્યમાં ત્રણ દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના

ઘણાં વિસ્તારોમાં વરસાદ નહીંવત પડશે : રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ઘણાં ભાગમાં વરસાદની સંભાવના

અમદાવાદ,તા.૨૧ : પાછલા અઠવાડિયા દરમિયાન રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર સહિત ઘણાં વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ નોંધાયો હતો. આ જ રીતે આજથી નવા શરુ થયેલા અઠવાડિયામાં પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં ૨૨ સપ્ટેમ્બરથી આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. સપ્ટેમ્બર પછી ઓક્ટોબર મહિનામાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. હવામાન શાસ્ત્રી દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે જ્યારે ઘણાં વિસ્તારોમાં વરસાદ નહીંવત જોવા મળશે, સાથે જ ઓક્ટોબર માસમાં ચક્રવાતની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ભેજયુક્ત હવા રાજ્ય તરફ ચાલી રહી છે જેના લીધે આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં વરસાદી માહોલ બની શકે છે.

આ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં સમગ્ર રાજ્યમાં વરસાદ થવાની સંભાવના નથી. ૨૦ દિવસ બાદ સપ્ટેમ્બર માસ પૂર્ણ થયા બાદ ઓક્ટોબરમાં ૯થી ૧૧ તારીખ દરમિયાન પણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જોકે, રાજ્યમાં ઘણાં ઠેકાણે ખેડૂતો હવે વધારે વરસાદ થયો હતો ખેતીને નુકસાન થવાનો ડર વ્યક્ત કરાઈ રહ્યો છે. આ વર્ષે રાજ્યમાં વરસાદ ૧૨૫% પાર કરીને ૧૨૬% પર પહોંચ્યો છે. આવામાં ભારે વરસાદની નકારાત્મક અસર પડવાની સંભાવનાઓ ઉભી થઈ રહી છે. રવિવારના દિવસે અમદાવાદમાં સાંજે વરસાદી માહોલ ઉભો થયા બાદ અચાનક કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જેમાં સરખેજ અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં શહેરમાં સૌથી વધારે સરખેજ-જુહાપુરામાં ૪ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સાથે ગાંધીનગરમાં પણ પાછલા ત્રણ દિવસથી વરસાદ નોંધાઈ રહ્યો છે. રવિવારે સાંજથી આકાશમાં કાળા ડિંબાગ વાદળો છવાયા હતા જે બાદ સરખેજ સહિત મણીનગર, પાલડી, ચાંદખેડા, દાણાપીઠ, ઓઢવ, દૂધેશ્વર વગેરે વિસ્તારોમાં વરસાદ થયો હતો.

(7:25 pm IST)