Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પઢારિયા ગામ નજીક ખાનગી બસ પલ્‍ટી જતા 100થી વધુ મુસાફરોને ઇજા

મહીસાગર: મહીસાગર જિલ્લામાં મોડી સાત્રે એક ખાનગી બસને અકસ્માત નડ્યો છે. સંતરામ પુરના પઢારિયા ગામે ખાનગી બસ પલટી જતા 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું અનુમાન છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગોધરા ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સંતરામપુર તાલુકાના પઢારિયા ગામ નજીક મુસાફરો લઇને જતી એક ખાનગી બસ પલટી મારી ગઇ હતી. આ બસની અંદર મોટાભાગના મજૂર મુસાફરો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિકો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને 108 તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક અને 108ની મદદથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અક્સમાતની ઘટનામાં મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી છે. જો કે, કોઈ જાનહાનીના સમાચાર હજુ સુધી મળ્યા નથી.

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. બસ મજૂર વર્ગને લઈને સંજેલીથી રાજકોટના કાલાવડ જઈ રહી હતી. તે દરમિયાન પઢારિયા ગામ નજીક વળાંકમાં બસ પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. વળાંકમાં રોડ છોડી ટ્રાવેલ્સ રોડ સાઈડમાં પલટી મારી ગઈ હતી. ઇજાગ્રસ્તોને 4 જેટલી 108ની મદદ લઇ જુદા જુદા સ્થળોએ સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે.

(4:38 pm IST)