Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

કપડા ઉદ્યોગમાં બચશે અમુલ્‍ય લાખો લીટર પાણી : પ્રદૂષણ અટકશે

સુરતમાં મંત્રા દ્વારા ઓઝોન ટેકનીક શરૂ કરાઇ : ઉર્જા અને પૈસાની પણ બચત : વોકલ ફોર લોકલ હેઠળ ઓછા વ્‍યાજની લોન સાથે અનેક યુનિટ કાર્યરત કરાશે

સુરત,તા.૨૧: ટેકસટાઇઝ રિસર્ચ એસોસીએશન (મંત્રા) દ્વારા એક પ્રોજેકટ હેઠળ ફકત સુરત નહીં પણ આખા દેશમાં કપડા ઉદ્યોગને મોટી ભેટ આપી છે. હવે પોલીએસ્‍ટર ફેબ્રીકસના કલીયરીંગ પ્રોસેસમાં ઓઝોન ટેકનીકના ઉપયોગથી લાખો લીટર પાણી બચશે અને કેમીકલ યુકત પાણી પણ નહીં નિકળે.

ખાસ વાત એ છે કે તેમાં ઉર્જાની બચતની સાથે આ ઓઝોનયુકત પાણીનો ફરી ઉપયોગ કરી શકાશે. જેનાથી ઇન્‍ડ્રસ્‍ટ્રીયાલીસ્‍ટોના ખર્ચના પણ ઘટાડો થશે. આ નવી ટેકનીકને મંત્રા દ્વારા પેટન્‍ટ કરાવી ઘણી જગ્‍યાએ ઉપયોગ પણ શરૂ કરી દીધો છે.

સુરતમાં મંત્રાના અધ્‍યક્ષ રજનીકાંત બચકાનીયાળાએ જણાવેલ કે સુરતમાં લગભગ ૩૫૦ પ્રોસેસર યુનિટ છે અને ૨.૫ કરોડ મીટર કાપડ રોજ બને છે. અત્‍યાર સુધી જેટલુ પાણી યુનિટોમાં ખર્ચ થતુ તેના ૮૦ ટકા હવે બચશે. પાણીની બચતની સાથે પ્રદૂષણ અટકવાની સાથે ઉર્જા અને પૈસાની પણ બચત થશે. રિસર્ચમાં સીનીયર વૈજ્ઞાનિકો મુંજાલ પારીક અને સહાયક ભરત ચૌહાણ સામેલ રહેલ.

(11:38 am IST)