Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

અમદાવાદ સીજી રોડ પરના સીટી રત્ન બિલ્ડીંગના સાતમા માળે આગ ભભૂકી

સાતમા એની નવમા માળે ફસાયેલા છ વ્યક્તિઓને હેમખેમ નીચે ઉતારાયા : શોર્ટ સર્કીટથી આગ લાગ્યાનું તારણ

અમદાવાદઃ શહેરના સી.જી. રોડ પરના સીટી રત્ન બિલ્ડીંગના સાતમા માળે આગ ભભૂકી હતી જો કે ઓફિસ બંધ હતી. પરંતુ સાતમા માળે તથા નવમા માળે ઓફિસમાં છ જણાં ફસાયા હતા. ફાયરબ્રિગ્રેડના જવાનોએ આગને બુઝાવીને છએ જણાંને હેમખેમ નીચે ઉતારી લીધાં હતા. કોઇને ઇજા કે જાનહાનિ નથી.

આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા છે. જો કે ચકાસણી બાદ તેનું કારણ સ્પષ્ટ થશે. આ આગના ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. પરંતુ રવિવારના કારણે મોટી જાનહાનિ ટળી ગઇ હતી.લો ગાર્ડન સ્થિત રેડિસન બ્લ્યુ હોટલની પાસે આવેલા સીટી રત્ન બિલ્ડીંગના સાતમા માળે આવેલી લીગ્ન સ્ટુડિયો ઇન્ટ્રો પેકેજ નામની સંસ્થામાં આગ ભભૂકી ઉઠી હતી

ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગ્રેડના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એમ.પી. મિસ્ત્રી તથા સ્ટેશન ઓફિસર મેહુલ ગઢવી સહિત સાત ગાડીઓ અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથે ત્યાં પહોંચી જઇને આગ  બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. દરમિયાનમાં સાતમા માળે તથા નવમા માળે આવેલી ઓફિસમાં કુલ છ જણાં ફસાયા હોવાની જાણકારી મળી હતી.

આ અંગે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, સાતમા માળે લાગેલી આગમાં ઓફિસ સંચાલક પ્લાયવુડની સીટોના વેપારી છે. જેથી તેમની ઓફીસમાં પ્લાયવુડનો વધુ ઉપયોગ થયો હતો. આના કારણે આગ પ્રસરી ગઇ હતી. સીડી સુધી આવી ગઇ હતી. અને આગના ધુમાડાના ગોટેગોટા ઉપર સુધી પહોંચ્યા હતા. પરંતુ આ આગ સીજી રોડ તરફના ભાગે લાગી હતી. ફસાયેલા લોકોની ઓફિસ લો ગાર્ડનની દિશામાં આવી હોવાથી તેઓ ઓફિસમાં સલામત હતા.

તેમને નીચેથી અમોએ ઇશારા કરીને ડરવાની જરૂર નહીં હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ આગ બુઝાવવાની કામગીરી ચાલુ હતી. સીડીમાં લાગેલી આગ બુઝાવી દીધા બાદ છએ જણાને હેમખેમ નીચે ઉતારી લીધા હતા. આગનું કારણ હાલ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જણાય છે. પરંતુ વધુ તપાસ કર્યા સ્પષ્ટ થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, રવિવાર હોવાના કારણે મોટાભાગની ઓફિસો બંધ હતી. જેથી જોખમ ઊભું થવાની શક્યતા સાવ ઘટી ગઇ હતી.

(9:31 am IST)