Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

અમદાવાદમાં સેશન્સ કોર્ટમાં મહિલા વકીલ સાથે શારીરિક અડપલાં કરનાર વકીલ સામે ફરિયાદ

છેડતી કરતા ટપાર્યા છતાં પાછા ફરતી વખતે સાથી વકીલે ફરીવાર અડપલાં કર્યા

 

અમદાવાદ ઘીકાંટા મેટ્રોપોલિટન કોર્ટમાં સાથે વકીલાત કરતા સહકર્મી વકીલે તેમની મિત્ર વકીલની સેશન્સ કોર્ટમાં છેડતી કરતા મહિલાએ તેમની વિરુદ્ધમાં કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  રાયપુરમાં રહેતાં અને ઘીકાંટા મેટ્રોપોલિટન કોર્ટમાં વકીલાત કરતી મહિલાએ કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ 2013થી ઘીકાંટા કોર્ટમાં બિપીનચંદ્ર પટેલ ( રહે.ધોળકા) સાથે વકીલાત કરે છે. તેમની વચ્ચે મૈત્રી જેવો સંબંધ હતો. દરમિયાન ગઈ 29મીના રોજ બિપીનચંદ્રે મહિલા વકીલને ફોન કરીને તેમને બોટાદ જવાનું કેન્સલ થયું હોવાનું કહી સિટી સેશન્સ કોર્ટમાં બોલાવ્યાં હતાં.

બપોરના સમયે મહિલા વકીલ સેશન્સ કોર્ટમાં જતાં ત્યાંથી મુદત પૂરી કરી મહિલા વકીલ બીજા માળેથી નીચે ઊતરી રહ્યાં હતાં, ત્યારે તેમની સાથે રહેલા બિપીનચંદ્રે તેમને શારીરિક અડપલાં કરતાં મહિલાએ તેમને ટપાર્યા હતા. અંગે મહિલાએ કારંજ પોલીસ સ્ટેશનમાં વકીલ બિપીનચંદ્ર પટેલ સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે.  

     મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર બીજા માળેથી નીચે ઉતરતા તેમની છેડતી કરતા તેમણે બિપીનચંદ્રને 'તમે કેમ વારંવાર મને અડપલાં કરો છો' તેમ કહી ટપાર્યા હતા. ત્યારબાદ મહિલા વકીલ છઠ્ઠામાળે કામસર ગયાં હતાં, ત્યાંથી પાછા ફરતી વખતે સાથી વકીલે ફરી વાર અડપલાં કર્યાં હતાં.

(12:32 am IST)