Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

આનંદનગરમાં બર્થ ડે પાર્ટીમાં યુવકો દ્વારા હવામાં ફાયરીંગ

બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર : વિનસ એટલાન્ટિસ કોમ્પલેક્સ પાર્કિંગમાં અનેક યુવકોએ ફાયરીંગ કરતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ આરંભી

અમદાવાદ, તા.૨૧ : આનંદનગર વિસ્તારમાં બર્થ ડે પાર્ટી છાકટા બનેલા અજાણ્યા યુવકોએ હવામાં ફાયરીંગ કર્યું હોવાનું સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. વિનસ એટલાન્ટિસ કોમ્પ્લેકસના પાર્કિંગમાં અલ્ટો કારમાં આવેલા યુવાનોએ બર્થ ડે પાર્ટીને લઈ હવામાં ફાયરીંગ કર્યુ હતું. આનંદનગર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કોમ્પ્લેક્સના સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. શહેરમાં બર્થ ડે પાર્ટી ઉજવવા માટે હવે યુવાનો તલવાર અને રિવોલ્વર જેવા હથિયારનો પણ ઉપયોગ કરતાં થયા છે. થોડા દિવસ પહેલા નિકોલમાં એક યુવાને તલવાર વડે કેક કટિંગ કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.

                     જો કે, આ યુવાનનો વીડિયો વાઈરલ થતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી અને યુવાન સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી. હવે આનંદનગરમાં આવેલા વિનસ એટલાન્ટિસ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં મોડી રાત્રે કેટલાક યુવકોએ છાકટા બની હવામાં ફાયરીંગ કર્યું હતું. આ ફાયરીંગને લઈ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં અને યુવકો ફરાર થઇ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા આનંદનગર પોલીસે ઘટનાસ્થળ પર જઇ તપાસ કરતા પોલીસને એક અલ્ટો કાર પણ મળી આવી હતી. જેમાંથી એક રિવોલ્વર મળી હતી જે પોલીસે કબજે કરી છે. આનંદનગર પોલીસે કાર નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ખાસ કરીને સ્થાનિક લોકોમાં ભારે ચકચારની સાથે ફફડાટની લાગણી પણ પ્રસરી ગઇ હતી.

(10:14 pm IST)