Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

લોથલમાં આધુનિક મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષનું નિર્માણ થશે

ગિફ્ટ સિટીમાં મેરિટાઇમ પાર્ક બનાવાશે : માંડવિયા : યુનિવર્સિટીમાં ગુજરાત સહિત ભારત અને વિશ્વમાં બંદર, સહાયક ક્ષેત્રે ઉભરતી તકો : પડકારો વિષય ઉપર સંબોધન

અમદાવાદ, તા.૨૧ : કેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો) તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ આજે ગુજરાતના લોથલ ખાતે આધુનિક મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ઉભુ કરવાની ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે જાહેરાત કરી હતી. માંડવીયાએ જણાવ્યું હતું કે, લોથલ હડપ્પા સંસ્કૃતિમાં એક મહત્વનું બંદર હતું. મેરિટાઇમ ક્ષેત્ર ભારત માટે નવું ન હોવાથી તેનો ઇતિહાસ દેશ-દુનિયા સામે મૂકવા લોથલમાં અંદાજે ૪૦૦થી ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે હેરિટેજ કોમ્પલેક્સ તૈયાર કરાશે. જેમાં મેરિટાઈમ ઇતિહાસ, સંબંધિત રેપ્લિકાઓ, તેની સાથે સંકળાયેલા પુરાવાઓ, મેરિટાઇમ સંશોધનો અને સંસાધનો દર્શાવાશે. કેન્દ્રીય મંત્રી આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત સહિત ભારત અને વિશ્વમાં બંદર અને સહાયક ક્ષેત્રે ઉભરતી તકો અને પડકારો વિષય પર આયોજિત સંમેલનને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી માંડવીયાએ ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે મેરિટાઇમ પાર્ક ઉભુ કરવાની જાહેરાત જણાવ્યું હતું કે. ગુજરાતમાં શિપ બિલ્ડીંગ અને શિપ બ્રેકિંગનો ઉદ્યોગ વિકસેલો છે, ગુજરાતમાં મહત્વના બંદરો આવેલા છે ત્યારે ગિફ્ટ સિટી ખાતે આ પ્રકારનું મેરિટાઇમ પાર્ક ઊભું કરવાથી મેરિટાઇમ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. મેરિટાઈમ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં પરિવહન ખર્ચ ૧૪ ટકા છે, જ્યારે વિશ્વમાં સરેરાશ ૯ ટકા છે.

                  ભારતે જો સ્પર્ધામાં ટકી રહેવું હોય તો પરિવહન ખર્ચ ઓછો કરવો આવશ્યક બની જાય છે. ભારતમાં એક ટન માલ એક કિલોમીટર સુધી પરિવહન કરવા માટે માર્ગ પરિવહનમાં ત્રણ રૂપિયા, રેલવે પરિવહનમાં બે રૂપિયા અને જળપરિવહનમાં ૯૦ પૈસાનો ખર્ચ લાગે છે. આથી જો માલ પરિવહનનો ખર્ચ ઘટાડવો હોય તો જળ પરિવહન વ્યવસ્થા વિકસાવી અને અપનાવવી ખૂબ જરૂરી છે. પરિણામે આ ક્ષેત્રમાં અદભૂત તકો રહેલી છે અને મેરિટાઇમ મેનેજમેન્ટ ક્ષેત્રે ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે, એમ તેમણે ઉમેર્યું હતું. મેરિટાઇમ ક્ષેત્રમાં ભરપૂર રોજગારની સંભાવનાઓ વિશે જણાવતાં કેન્દ્રીય મંત્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, તેમનું લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં વહાણવટા ક્ષેત્રે પાંચ લાખ નવી રોજગારીનું સર્જન કરવાનું છે. આ માટે તેમણે શિપિંગ મહાનિર્દેશક દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં ધરખમ સુધારો કર્યો છે, જેનાથી પરીક્ષાના પરિણામમાં સુધારો આવ્યો છે અને દરિયા ખેડૂઓની સંખ્યા અંદાજે ૨૦૧૪માં ૯૪૦૦૦ હતી તે વધીને આજે ૨,૧૪,૦૦૦ સુધી પહોંચી ગઈ છે. ક્રૂઝ પર્યટન ક્ષેત્રમાં રોજગારીની તકો વિશે જણાવતાં માંડવીયાએ જણાવ્યું કે, તેઓ મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, વિશાખાપટ્ટનમ અને ગોવા એમ પાંચ સ્થળોએ ક્રૂઝ ટર્મિનલ બનાવી રહ્યા છે. જેનાથી આ ક્ષેત્રમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં રોજગારનું સર્જન થશે.

                તુતિકોરીન અને કોચીનને ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે. શિપિંગ ક્ષેત્રમાં રહેલી તકો વિશે જણાવતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે તેઓ ભારતને નૌકા નિર્માણ માટેનું હબબનાવવા તરફ આગળ વધીરહ્યા છે. ફિલિપાઇન્સનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું હતું કે, આ નાનકડો દેશ આજે ટગબોટ નિર્માણ ક્ષેત્રે અવ્વલ નંબરે છે. ભારત પણ મધ્યમ કક્ષાના શિપક્ષેત્રે નંબર વન બની શકે તેમ છે. આઇઆઈટી ચેન્નાઈ ખાતે સેન્ટર ઓફ એકસેલન્સનું નિર્માણકરવામાં આવ્યું છે જે દરિયામાં ડ્રેજીંગ ક્ષેત્રે સંશોધન કરી રહ્યું છે.

(10:00 pm IST)