Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

૭ પૈકી ચાર બેઠક પર ચૂંટણી જાહેર થતાં કોંગ્રેસના સવાલ

ચૂંટણી પંચની સ્વંયતતા સામે પ્રશ્નાર્થ : અમિત ચાવડા : ગાંધીજી જેમ હેલમેટ સહિત ટ્રાફિકના નવા નિયમો સામે સવિનય કાનૂન ભંગનું આંદોલન છેડવા કોંગ્રેસની ચીમકી

અમદાવાદ, તા.૨૧ : ગાંધી સંદેશ યાત્રામાં સુરતની મુલાકાતે આવેલા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્યમાં લાગુ થનારા ટ્રાફિકના નવા નિયમ વિરૂધ્ધ સવિનય કાનૂન ભંગનું આંદોલન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જેમ કરાશે એવી જોરદાર ચીમકી ઉચ્ચારી હતી. સાથે સાથે જ હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખ જાહેર કરતાં ચૂંટણી પંચે ગુજરાતની ચાર બેઠકો માટે પેટાચૂંટણીની તારીખો જાહેર કરી હતી. ગુજરાત રાજયમાં ખાલી પડેલી સાત વિધાનસભા બેઠકો પૈકીની ચાર બેઠકોની પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી અન્ય ત્રણ બેઠકોની પેટા ચૂંટણીની તારીખ જાહેર નહી કરતાં તેમણે ચૂંટણી પંચની સ્વાયતત્તા અને કામગીરી પર ગંભીર સવાલ પણ ઉઠાવ્યા હતા. ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉભા કરતાં ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સાત બેઠકો ખાલી પડી છે ત્યારે ચૂંટણી પંચે ચાર બેઠકો પર જ ચૂંટણીની તારીખો જાહેર કરી છે જે તેમની સ્વાયતતા પર સવાલ ઉભા કરે છે.

                 વાસ્તવમાં, ચૂંટણી પંચ પણ સ્વાયતની જગ્યાએ ભાજપના ઈશારે કામ કરતું હોવાના ગંભીર આક્ષેપ પણ તેમણે કર્યા હતાં. ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાના આરોપ સાથે ચાવડાએ કહ્યુ હતું કે, ભાજપ જ્યાં ડરે છે ત્યાં ચૂંટણી પંચ જાહેર કરતી નથી. સાતમાંથી ચાર જ બેઠકો જાહેર કરીને ભાજપે એ સાબિત કરી આપ્યું છે. જે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે ત્યાં કોંગ્રેસનો કાર્યકરો જ છે. વિજય કોંગ્રેસનો જ થવાનો છે. કેટલાક લોકો પોતાના સ્વાર્થ ખાતર પક્ષ પલટો કર્યો છે પરંતુ તેનાથી કોંગ્રેસને કોઈ ફરક પડતો નથી.

                રાજ્યમાં પ્રવર્તતી મંદી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હવા જ હોવાનું નિવેદન આપ્યું તે અંગે પ્રહાર કરતાં અમિત ચાવડાએ સીએમના નિવેદનને હાસ્યાસ્પદ ગણાવતાં કહ્યું કે, મુખ્યમંત્રી પોતાની એસી ઓફિસ છોડીને બહાર આવે તો જ ખબર પડે કે મંદી છે કે નહીં. અમિત ચાવડાએ ટ્રાફિક નિયમો અંગે નિવેદન આપતાં કહ્યું કે,ગાંધી સંદેશ યાત્રામાં મોટરબાઈક સાથે જોડાયેલા કાર્યકરો હેલ્મેટ પહેરવાના નિયમનો સવિનય કાનૂન ભંગ કરશે, જેમ ગાંધીજીએ અંગ્રેજોની સામે સવિનય કાનૂન ભંગ કર્યો હતો તેવી જ રીતે સવિનય કાનૂન ભંગ કરશે. નવા ટ્રાફિક કાયદાઓ સરકારે પોતાનો ખજાનો ભરવા માટે ભાજપ સરકાર લાવી છે, પ્રજા હેરાન થઈ રહી છે અમે પ્રજાની સાથે છીએ.ગાંધી સંદેશ યાત્રા દાંડીથી સાબરમતી અને પોરબંદરથી સાબરમતી સુધી એમ બે યાત્રા યોજાશે. ટૂંકમાં, નવા ટ્રાફિક નિયમોને લઇ કોંગ્રેસે જોરદાર લડત આપવાનું મન બનાવી લીધુ છે.

(9:55 pm IST)