Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

વિરમગામ શહેરમાં પ્રાથમિક સુવિધાઓના મામલે બજારો સ્વંયભૂ બંધ : વેપારીઓમાં ઉગ્ર રોષ; નગરજનોએ વિશાળ રેલી કાઢી આવેદન આપ્યું

વેપારીઓ અને યુવા શક્તિ ગૃપના લોકો તાલુકા સેવા સદન બહાર ધરણાં પર બેઠા

 વિરમગામ: વિરમગામ શહેરની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નને લઈને વિરમગામ વેપારી એસોસીએશન મંડળો દ્વારા વિરમગામ બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. જેથી વહેલી સવારથી જ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને ટાવર ચોક ખાતે એકઠા થયા હતા અને ત્યાથી મોટી સંખ્યામાં વેપારીઓ, નગરજનોએ વિશાળ રેલી કાઢી હતા. આ રેલી સુત્રોચ્ચાર સાથે વિરમગામ નગરપાલીકા ખાતે આવી પહોચી હતી અને નગરપાલીકા કેમ્પસમાં હંગામા જેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. કેટલાક આંદોલનકારીઓએ નગરપાલીકા બહાર એસટી બસ રોકવાનો પ્રયત્ન કર્યો હતો

   વિવિઘ પ્રાણપ્રશ્નો ને લઇને માંગણીઓ ન સંતોષાય ત્યા સુઘી વેપારીઓ અને યુવા શક્તિ ગૃપના લોકો તાલુકા સેવા સદન બહાર ધરણાં પર બેઠા હતા અને મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. વેપારીઓના બંધના એલાનના કારણે ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કોઇ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો

   અત્રે ઉલ્લેખનિય છે કે, વિરમગામ શહેરના ઉબડખાબડ જર્જરિત રોડ રસ્તા, ઉભરાતા ભૂગર્ભ ગટરના પાણી, દુષિત પીવાનું પાણી, રખડતા ઢોર, બેફામ ગેરકાયદે દબાણ ના વિરોધમાં વિરમગામ વેપારી એસોસિયેશનો અને સામાજિક સંસ્થાઓ, યુવા શક્તિ ગૃપ દ્વારા સ્વયંભૂ બંધનું એલાન આપવામાં આવ્યું હતુ અને વિરમગામની મુખ્ય બજારો બંધ રહી હતી. વિરમગામ શહેરના ટાવર ચોક વેપારી એસોસિયેશન, ભરવાડી દરવાજા વેપારી એસોસિએશન, મિલ રોડ વેપારી એસોસીએશન, બોરડી બજાર વેપારી એસોસિયેશન સહિત અન્ય વેપારી એસોસીએશન,એપીએમસી વેપારી એસોસિયેશન, વિવિધ સામાજિક સંગઠનો તેમજ યુવા શક્તિ ગ્રુપના સામુહિક પ્રયત્નોથી શનિવારે વિરમગામની બજાર બંધ રહી હતી. વિરમગામના પ્રાણપ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવે તેવુ નગરજનો ઇચ્છી રહ્યા છે અન્યથા વધુ ઉગ્ર આંદોલન થઇ શકે છે તેવુ જાણવા મળ્યુ છે.

(8:11 pm IST)