Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી નિમિતે બે સ્થળેથી કોંગ્રેસ દ્વારા યાત્રાઃ કાલે કોંગ્રેસના પ્રદેશ હોદેદારોની હાજરીમાં મીટીંગ

અમિતભાઈ ચાવડા, પરેશભાઈ ધાનાણી, શકિતસિંહ ગોહિલ, અર્જુનભાઈ મોઢવાડીયા સહિતના ઉપસ્થિત રહેશે

રાજકોટ, તા. ૨૧ :. કોંગ્રેસના દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી નિમિતે ગુજરાતમાં બે સ્થળેથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેની ચર્ચા વિચારણા માટે કાલે રાજકોટ ખાતે પ્રદેશ નેતાઓની હાજરીમાં મીટીંગ મળશે તેમ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

પરેશભાઈ ધાનાણીએ વધુમાં જણાવ્યુ કે તા. ૨૭મી સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર સુધી પોરબંદરથી અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમ સુધીની બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યારે બીજી યાત્રા દાંડીથી અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમ સુધી યોજાશે.

પોરબંદરથી ગાંધી આશ્રમ સુધીનો રૂટ ૨૭૫ કિ.મી. જેટલો થાય છે જેની આગેવાની વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સંભાળશે જ્યારે દાંડીથી સાબરમતી આશ્રમ સુધીનો રૂટ ૪૦૦ કિ.મી. જેટલો થાય છે તે યાત્રાનું નેતૃત્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા સંભાળશે. બન્ને રેલીમાં પ્રદેશ તરફથી ૫૦ - ૫૦ બાઈકસ્વાર યુવાનો જોડાશે. ઉપરાંત જે તે જિલ્લાના સ્થાનિક યુવાનો આ રેલીમાં જોડાતા જશે અને તા. ૨ ઓકટોબર બપોર બાદ ગાંધી આશ્રમ અમદાવાદ ખાતે સમાપન સમારોહ યોજાશે.

કાલે રવિવારે બપોરે ૨ વાગ્યે રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ આત્મીય કોલેજના હોલમાં આ યાત્રા સંબંધે ચર્ચા વિચારણા કરવા માટે મીટીંગ યોજાશે. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, શકિતસિંહ ગોહિલ, અર્જુનભાઈ મોઢવાડીયા તેમજ રાજકોટ અને સૌરાષ્ટ્રના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેશે.

(3:53 pm IST)