Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ટ્રાફિક નિયમના દંડથી ગુજરાત સરકારને આ વર્ષે થઇ શકે છે ૨૦૦ કરોડની આવક

અમદાવાદ, તા.૨૧: રાજય સરકાર ભારપૂર્વક જણાવે છે કે ટ્રાફિક નિયમોના ઉલ્લંદ્યન બદલ ભારે દંડ વસૂલવા પાછળનો હેતુ વધારે આવક મેળવવાનો નથી, પરંતુ ગૃહ અને પરિવહન વિભાગ (હોમ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ)ના અધિકારીઓ આવા દંડની વસૂલાત ૨૦૦ કરોડ રૂપિયાને પાર કરશે તેવું માની રહ્યા છે. રાજયએ ૨૦૧૮-૧૯માં ટ્રાફિક દંડ વસૂલીને ૧૦૯ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં (એપ્રિલથી જુલાઈ) ૫૨.૪૯ કરોડ રૂપિયાની વસૂલાત થઈ ચૂકી છે.

ટ્રાફિક દંડમાંથી વસૂલાત ગયા વર્ષે પહેલીવાર ૧૦૦ કરોડ રૂપિયાને વટાવી ગઈ. ગયા વર્ષે ટ્રાફિક નિયમોનું ઉલ્લંદ્યન કરવા બદલ ૯૨ લાખ જેટલા ઈ-મેમો ફાડવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે, ચાલુ વર્ષના પ્રથમ ચાર મહિનામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાના ૪૭ લાખ જેટલા કેસ નોંધાયા છે, પરંતુ આગામી મહિનાઓમાં ઉલ્લંઘન અને દંડની વસૂલાતની રકમમાં ભારે પ્રમાણમાં વધારો થશે. 'આવું નવા લાગુ કરાયેલા નિયમોના કારણે થશે, કેમ કે તેમાં ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે' તેમ અધિકારીએ જણાવ્યું.

(9:48 am IST)