Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

સુરતના માંડવીના માલધા નજીક ટેમ્પોના ચોરખાનામાંથી 8,78 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

કુલ 13,82 લાખના મુદામાલ સાથે ટેમ્પા ચાલકની અટકાયત : એક આરોપીને વોંટેડ જાહેર કર્યો

સુરત : જિલ્લાના માંડવીના માલ્ધા ગામ નજીક ટેમ્પોના ચોરખાનામાંથી 8,78 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો છે માલધાની સીમમાં માલ્ધાથી ઉમરપાડા તરફ જવાના રોડ ઉપરથી પસાર થઈ રહેલ ટેમ્પાને માંડવી પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે અટકાવી તપાસ કરતાં ટેમ્પામાં બનાવવામાં આવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂ તેમજ બિયરની કુલ 198 પેટી જેની કિંમત 8.78 લાખના જથ્થા સાથે ટેમ્પા ચાલકને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર એક આરોપીને વોંટેડ જાહેર કરી કુલ 13.82 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અંગે મળતી વિગત મુજબ સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટાફના અ.પો.કો હસમુખભાઇ અમરસિંગભાઈ નાઓને બાતમી મળી હતી કે એક કથ્થઈ કલરનો ટાટા ટેમ્પો નંબર જીજે-26-ટી-6505માં તેનો ચાલક મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને માલ્ધા ફાટક થઈ ઉમરપાડા તરફ જવાનો છે. જે ટેમ્પાની પાછળ બોડીના ભાગે કાળા કલરની તાડપત્રી બાંધેલ છે. જે  આધારે માંડવી પોલીસ સ્ટાફના માણસોએ માલ્ધા ગામની સીમમાં માલ્ધાથી ઉમરપાડા તરફ જવાના રસ્તા ઉપર વોચ ગોઠવી હતી.

 આ દરમ્યાન બાતમી મુજબનો ટાટા ટેમ્પો આવતા તેને અટકાવ્યો હતો. અને તેના ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછ પરછ કરતાં તેણે પોતાનું નામ અજય સત્યપ્રસાદ ગીરી (રહે, માઈકૃપા સોસાયટી દશરથ, વડોદરા, મૂળ રહે, ભગવાનપૂર, જી-સરાબસ્તી, યુ.પી) નો હોવાનું જણાવ્યુ હતું. પોલીસે ટેમ્પાની અંદર તપાસ કરતાં ટેમ્પામાં બનાવવામાં આવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની તેમજ બિયરની કુલ 7680 નંગ બોટલ જેની કિંમત રૂ, 8.78 લાખ તેમજ ટેમ્પો જેની કિંમત રૂ, 5 લાખ, ત્રણ મોબાઈલ જેની કિંમત રૂ. 2700, ખાલી કેરેટ 45 નંગ જેની કિંમત રૂ. 900 મળી કુલ 13.82 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર અશોકસિંગને પોલીસે વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

(8:51 am IST)