Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ઓલપાડ ગ્રા.પં.ના કબ્જા ભોગવટાવાળી પાણીની ટાંકી અને આંગણવાડીની સરકારી જમીન સરપંચે વેચી નાખી

વેચાણ લેનારા પાસે ગ્રા,પ ,ની તરફેણમાં ફરી દસ્તાવેજ કરાવવો પડ્યો

સુરત જિલ્લાની ઓલપાડ ગૃપ ગ્રા.પં.ના કબજા-ભોગવટા હેઠળની પાણીની ટાંકી તથા આંગણવાડીનું મકાન ધરાવતી સરકારી જમીન ગામના સરપંચ રાજેશ ચૌધરીએ સક્ષમ અધિકારીની પૂર્વ મંજુરી મેળવ્યા વિના ગેરકાયદેસર વેચી નાખતા ચકચાર જાગી છે સરપંચનું જમીન વેચાણ કોભાંડ છાપરે ચઢીને પોકારતા આખરે સરપંચે અગાઉનો દસ્તાવેજ રદ કરાવી જમીન વેચાણ લેનારા પાસે ઓલપાડ ગ્રા.પં.ની તરફેણમાં ફરી દસ્તાવેજ કરાવાની નોબત આવતા તાલુકાના પંચાયતી રાજકરણમાં ગરમાટો આવ્યો છે.

    આ અંગે મળતી વિગત મુજબ ઓલપાડ ગ્રામ પંચાયતના દફતરે સરસ રોડ ઉપર બ્લોક નંબર-313 વાળી 15479 ચો.મી.જમીનમાંથી 2327 ચો.મી.જમીન તા-11-12-1979 ના રોજ જમીન માલિક મર્હુમ અબ્દુલ્લા કરીમે તેની હયાતીમાં ગ્રા.પં.ને વેચાણ દસ્તાવેજથી આપી હતી.આ જમીનમાં પંચાયતે લોકોને પીવા માટે પાણીની ટાંકી તથા ગરીબ ભુલકાઓના અભ્યાસ માટે સરકારની યોજનામાંથી આંગણવાડી બનાવી હતી. જોકે હાલમાં પાણીની ટાંકી જર્જરીત હોવાથી તે બિસ્માર હાલતમાં છે.પરંતુ આંગણવાડીનો ઉપયોગ ગરીબ પરિવારના ભુલકાઓ કરી રહ્યા હોવા છતાં આ જમીન ગ્રા.પં.ના સરપંચ રાજેશ ચૌધરીએ સરકારના કાયદાને નેવે મૂકી સક્ષમ અધિકારીની પૂર્વ મંજુરી વિના તા-18-05-2019 ના રોજ વેચાણ દસ્તાવેજ નં-7393 મર્હુમ અબ્દુલ્લાના વારસદારોને ફરી કરી આપ્યો હતો.

    આ બાબતની નોંધ તા-4-6-2019ના રોજ ગ્રા.પંચાયતે ગામનો નમુનો નં-6ના હક્કપત્રકમાં નોંધ નંં-16677 થી એન્ટ્રી પાડતા કોભાંડ પ્રકાશમાં આવ્યું હતું. જોકે આ કોભાંડની ગંધ ગામના માજી સરપંચ બાલુ ગુલાબ કહારને આવતા  તા-16-07-2019 ના રોજ ગામના સરપંચે તેના લાભ માટે સત્તાનો દુરઉપયોગ કરી ગેરકૃત્ય કરવા બદલ તેમને હોદા્‌ પરથી દુર કરવા સુરત ડીડીઓને ફરિયાદ કરી હતી.આ ફરિયાદના પગલે નાયબ જિ.વિ.અધિકારીએ સરપંચને હોદ્દા પરથી દુર કરવા ગુ.પં.અધિનિયમ-1993 ની કલમઃ57/1 હેઠળ ગુનો બને છે કે તેની તપાસ કરવા તા-29-07- 2019ના રોજ ઓલપાડ ટીડીઓને હુકમ કરી દિન-7 માં તપાસનો અહેવાલ રજુ કરવા જણાવ્યું હતું.પરંતુ ઓલપાડ ટીડીઓ પંકજ વાઘાણીએ નાયબ ડીડીઓના આદેશને ભાજી-મૂળા ગણી આજે હુકમના 53 દિવસ પછી પણ તપાસ અહેવાલ મોકલ્યો નથી.

  જોકે ફરિયાદીની રાવ મુજબ ગ્રા.પં.ના ભાજપ સર્મપિત ગ્રા.પં.ના એક સભ્યએ ટીડીઓ પંકજ વાઘાણી ધમકી આપી છે કે તેઓ જો સરપંચની તરફેણમાં તપાસ રિપોર્ટ રજુ ન કરશે તો ટીડીઓ-નાયબ ટીડીઓ અને સર્કલ ઓફિસરની બદલી કરાવી નાંખશે. જેના પગલે ટીડીઓ સરપંચના બચાવની ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે ટીડીઓ પંકજ વાઘાણી ઓલપાડમાં અતિભારે વરસાદના પગલે નુકશાની સર્વે કામગીરી ચાલી રહી હોવાથી તેમની પાસે સમય ન હોવાથી આ મામલાની તપાસ સર્કલ ઓફિસર કરી રહ્યા હોવાનું ગાણું ગાઇ રહ્યા છે.

(10:48 pm IST)