Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

૩-પ જાન્યુઆરીએ પાટીદાર ગ્લોબલ સમિટનું આયોજન

નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાય તેવી શકયતા : ૨૨ હજારથી વધારે બિઝનેસમેન સહિતના મહાનુભાવો હાજર રહેશે : સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ થશે

અમદાવાદ, તા.૨૦ : ૨૦૧૮માં પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમીટની સફળતા બાદ આ વખતે આગામી તા.૩થી પ જાન્યુઆરી, ૨૦૨૦ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ખાતે ગત વખત કરતાં સાત ગણી મોટી પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન સંભવતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવો પણ ખાસ હાજર રહેશે. આશરે એક લાખ ચો.મી જગ્યામાં ૧૪ વિશાળ ડોમમાં જુદા જુદા સેકટરના પ્રદર્શનને રજૂ કરવામાં આવશે. સાથે સાથે પાટીદાર ગ્લોબલ સમીટના ભવનનું ઉદ્ઘાટન તેમ જ સરદાર વલ્લભભાઇ પટેલની પ૦ ફુટ ઉંચી પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન મોદીના હસ્તે તા.૩જી જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. આ સમીટને લઇ અત્યારસુધીમાં ૧૧ પ્રમોશનલ કાર્યક્રમો યોજાઇ ગયા છે અને સરદાર ધામ ખાતે તા.૨૨મી સપ્ટેમ્બરે રવિવારે સરદાર ધામ  બિલ્ડીંગમાં જીપીબીએસ પ્રમોશનલ કાર્યક્રમ-૧૨ યોજવામાં આવશે. આજે અમદાવાદમાં સરદાર ધામ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતાં સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરીયાએ જણાવ્યું હતું કે, સામાજિક સમરસતાના ભાગરૂપે તમામ સમાજને સાથે રાખીને આગામી તા.૩થી પમી જાન્યુઆરી, ૨૦૨૦ દરમ્યાન ગાંધીનગર હેલીપેડ ખાતે એક વિશાળ ગ્લોબલ સમીટનું આયોજન કરવામાં આવ્યું છે.

                  જેમાં અંદાજીત ૧૦૫૦ જેટલા સ્ટોલ્સ ઉભા કરાશે. આ સમીટમાંસાત લાખથી વધુ મુલાકાતીઓ આ સમીટની મુલાકાત લેશે. બિઝનેસમેન અને ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા બી ટુ બીની પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે. સમીટ દરમ્યાન પ્રોફેશનલ અને પ્રેકટીકલ નોલેજ ધરાવતાં નિષ્ણાત તજજ્ઞોનો સેમીનાર પણ રાખવામાં આવ્યો છે, જેમાં ઇન્ફોસીસીના નારાયણ મૂર્તિ સહિત ગુગલના સીઇઓ અને રતન ટાટાને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉદ્દેશ નેટવર્કીંગ દ્વારા દેશ અને દુનિયાના ઔદ્યોગિક વેપારી મિત્રો પરસ્પર ઉપયોગી અને પોતાની પ્રોડકટ અથવા તો કંપનીનું બ્રાન્ડીંગ માર્કેટીંગ કરીને બિઝનેસ ધંધાનું વિસ્તરણ કરી શકે તેનો છે. જયારે નવા ઉદ્યોગ સાહસિકોને કેવી રીતે તૈેયાર કરવા અને તેના માટે શું કરવું તેના માટે પ્રેકટીકલ અને પ્રોફેશનલ સ્પીકરો બોલાવવામાં આવ્યા છે. શૈક્ષણિક જાગૃતિ દ્વારા શિક્ષિત યુવાનોનો જે સ્લોટ તૈયાર થઇ રહ્યો છે, તેમને તાલીમ અને માર્ગદર્શન આપી કંપનીઓમાં તેઓને સન્માનપૂર્વક નોકરી-રોજગારી મળે તે હેતુથી પણ આયોજન કરાયું છે. જયારે સામાજિક પાટીદાર ગ્લોબલ સમીટની વિશેષતા એ છે કે, સામાજિક સમરસતાના ભાગરૂપે તેમાં તમામ ઔદ્યોગિક એકમો અને બિઝનેસમેનોને આમંત્રિત કરાયા છે.

                   માતૃશકિત સશકિતકરણના ભાગરૂપે જે બહેનો ખાદ્ય પદાર્થથી લઇ જવેલરી તેમ જ ડેરી પ્રોડેકટ સુધી પોતાની પ્રોડકટનું વેચાણ કરવા માંગતી હશે તો તેઓને સ્ટોલ્સના ભાવમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ અપાશે. સમાજનું બની રહેલું પાટીદાર ભવન કે જેમાં જીપીએસસી સહિત આઇએએસ સહિતના જે તાલીમ વર્ગ ચલાવવાના છે અને જે હોસ્ટલે બનાવી છે, તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે રાખવામાં આવ્યું છે અને એ જ દિવસે બ્રોન્ઝમાંથી બનેલી સૌથી મોટી ૫૦ ફુટ ઉંચી સરદાર પટેલની પ્રતિમાનું સરદાર ધામ ખાતે અનાવરણ કરાશે. આ ગ્લોબલ સમીટમાં ૨૨થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે. સરદાર ધામ અને પાટીદાર ગ્લોબલ સમીટ એ માત્ર પાટીદારો માટે જ નથી પરંતુ સરદાર ધામ દ્વારા સર્વ સમાજ સમિતિની પણ સ્થાપના કરાઇ છે અને તેની બે મીટીંગ પણ યોજાઇ છે, તેથી આ જીપીબીએસ-૨૦૨૦ સર્વસમાજ ગ્લોબલ સમીટ તરીકે પ્રસ્થાપિત થશે તેવું અમારૂ માનવું છે. આ પ્રસંગે આઇએએસ અધિકારી એચ.એસ.પટેલ ખાસ હાજર રહ્યા હતા. સરકાર સહિત વિદેશમાં પણ તેઓ લાયઝન દ્વારા આ પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર પડાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. જેના ભાગરૂપે આગામી ૨૮મી સપ્ટેમ્બરે મુંબઇ ખાતે પ્રમોશનલ કાર્યક્રમ યોજવાનું નક્કી કરાયું છે.

(10:03 pm IST)