Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

કમાવવાની લાલચ આપીને ૯.૬૮ લાખ ખંખેરી લેવાયા

જાહેરાત જોઇ લાખો કમાવોની લાલચ આપીઃ દંપતિ દ્વારા અન્ય લોકોને પણ આ પ્રકારે ઠગાયા હોવાની આશંકા : વસ્ત્રાપુરમાં પોલીસ દ્વારા મામલામાં ચકાસણી

અમદાવાદ, તા.૨૧: મોબાઈલમાં કંપનીની જાહેરાત જુઓ અને રૂપિયા કમાઓ તેવી લાલચ આપીને શહેરના એક દંપતીએ લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

આ દંપતીએ મોટીમોટી કંપનીઓ સાથે તેમના કોન્ટ્રાક્ટ છે અને અલગ અલગ પેકેજની લોભામણી લાલચ આપીને શહેરના એક જમીન દલાલ પાસેથી ૯.૬૮ લાખની રકમ પડાવીને રફુચક્કર થઇ જતાં પોલીસે હવે આ ઠગ દંપતિને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઠગ દંપતિ દ્વારા આ પ્રકારે અન્ય લોકોને પણ ઠગાયા હોવાની આશંકા હોઇ પોલીસે તે દિશામાં પણ તપાસનો દોર ચલાવ્યો છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શહેરના પાલડી વિસ્તારમાં રહેતી ભાર્ગવી શાહ અને તેના પતિ વિનય શાહે વિવિધ પેકેજ આપીને લોકોને તેમના મોબાઈલ અને કોમ્પ્યુટર પર જાહેરાત જોઈને રૂપિયા કમાવવાની લાલચ આપી હતી. આ લાલચમાં શહેરના જમીને દલીલે એક વર્ષમાં ૯.૬૮ લાખ રૂપિયા તેમની કંપનીમાં રોકાણ કર્યુ હતું. ફરિયાદ અનુસાર આ દંપતીએ તેમને આપેલી બાંહેધરી પૂરી કરી ન હતી. જેથી તેમણે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં આખરે જમીનદલાલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ ઠગ દંપતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ દંપતીએ શરૂ કરેલી કંપનીમાં હજારો લોકો રજિસ્ટર હોવાની વાત પણ સામે આવી રહી છે અને જમીનદલાલની જેમ અન્ય લોકો પણ ઠગાયા હોવાની આશંકાના આધારે હવે પોલીસે તે દિશામાં પણ તપાસ આરંભી છે.

(10:05 pm IST)