Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

અકસ્માતે મૃત્યુના કિસ્સામાં આનંદીબેને ખેડુતો માટે ૪ લાખ જાહેર કરેલ, રૂપાણી સરકારે બે લાખ જાહેર કર્યા ?

સરકારી ખોટી નિતિના કારણે જગતના તાત દેવાદારઃ ડો. મનીષ દોશી

અમદાવાદ તા. ર૧ : વાયબ્રન્ટ ગુજરાતના નામે ઉદ્યોગોને લાલ ઝાઝમ બીછાવી અનેક રાહતો આપી સસ્તી જમીનો તથા કર માફી આપી તગડા બનાવાય છે. જયારે સંઘર્ષકર્ત ખેડુતોને, જોખમ ઉપાડતા જગતના તાતને અકસ્માતે મૃત્યુ થાય તો રૂા. ૧ લાખને બદલે રૂા.૪ લાખનું વળતર આપવાની જાહેરાત પૂર્વ મુખ્યમંત્રીએ (આનંદીબેન પટેલ) નવેમ્બર ર૦૧પ માં કરી હતી પરંતુ ખેડુત વિરોધી ભાજપ સરકારની માનસિકતાના કારણે ગુજરાતમાં ખેડુતોની હાલાકીમાં સતત વધારો થઇ રહ્યો છે. અને બધી જાહેરાતોની જેમ આ જાહેરાત પણ કાગળ ઉપર જ છે. ભાજપા સરકારે અકસ્માતે મૃત્યુ પામનાર ખેડુતોને રૂ.૧ લાખને બદલે રૂ.ર લાખની જાહેરાત કરી. હકીકતમાં રૂ.૪ લાખની જાહેરાત કરનાર ભાજપ સરકારે ખેડુતો સાથે છેતરપીંડી વિશ્વાસઘાત અંગે રાજયના મુખ્યમંત્રી અને ભાજપા સરકાર જવાબ આપે તેવી માંગ કરતા ગુજરાત પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ખેડુતોનું દર્દ જાણતા ના હોઇ તેમણે કે તેમના કૃષિમંત્રીએ ખેડુત માટે ખાસ જરૂરી એવા નિર્ણયનો અમલ ના કરીને ખેડુતોને મોટો અન્યાય કર્યો છે. જિલ્લા અધિકારી અને નિયામક આ બાબતે પરિપત્ર થયેલ નથી એમ કહી અકસ્માતે ભોગ બનેલના પરીવારની જાણે ઠેકડી ઉડાડે છે.

ખેડૂતોના હિતના મોટા મોટા દાવા કરતો કિસાન સંઘ ખેડુતોના આ પ્રાણ પ્રશ્ને કેમ આંખ આડા કાન કરે છે? ઉદ્યોગપતિઓને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાની રાહતો અપાય છે. પરંતુ નવેમ્બર-ર૦૧પમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અકસ્માતે મૃત્યુ પામનાર ખેડુતોને રૂ.૧ લાખને બદલે રૂ.૪ લાખના વળતરની સરકારી જાહેરાત છતા અકસ્માતે મૃત્યુ પામનાર ખેડુત અથવા વિધવા ખેડુત પત્નીના રસ્તે રઝળતા બાળકોને આજે પણ સહાય કેમ મળતી નથી ? શું ભાજપ સરકારમાત્ર જાહેરાત કરવામાં જ માને છે ? તેમ ડો. મનીષ દોશી જણાવે  છે. (૬.૧૭)

(3:59 pm IST)