Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

કપાસ-મગફળી પર જોખમ : અઠવાડિયામાં વરસાદ ન થાય તો ખેતીનું ચિત્ર બિહામણુ

ભાદરવાના તડકા તપતા આકાશ કોરૂધાકોડ, ખેડૂતોના હૈયે ચિંતાના ઘટાટોપ વાદળો : કુદરતી આફત વરસવાના એંધાણ

રાજકોટ, તા. ૨૧ :. ગુજરાતમાં જુલાઈ મહિનામાં સારો વરસાદ થયા બાદ છેલ્લા દોઢેક મહિનાથી મેઘરાજાએ મોઢુ ફેરવી લેતા ખેતીની દ્રષ્ટિએ સારૂ વર્ષ થવા સામે મોટો પ્રશ્નાર્થ લાગી ગયો છે. ભાદરવાના તડકા તપતા જમીનમાંથી પાણી શોસાવા લાગ્યુ છે. સૌરાષ્ટ્રમાં મુખ્ય ગણાતા કપાસ અને મગફળીના પાક પર જોખમ ઉભુ થવા લાગ્યુ છે. અઠવાડીયામાં સારો વરસાદ ન થાય તો ખેતીનું ચિત્ર બિહામણુ થઈ જશે તેવુ ખેતી સાથે સંકળાયેલા લોકોનું કહેવુ છે.

ચોમાસાની શરૂઆતમાં જે આગાહી થતી હતી તેના આધારે ખેડૂતોને સોળ આની વર્ષ થવાની આશા જાગેલ પરંતુ સમય જતા તે આશા ઘટવા લાગી છે. આ વર્ષે મોડી વાવણી થયેલ અને ત્યાર પછી હજુ સુધી વરસાદ ન થતા ખેડૂતો માટે ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. જ્યાં કૂવા, બોર કે નજીકમાં ડેમના કારણે પાણીની સગવડતા નથી તેવા વિસ્તારોમાં વાવેતરને નુકશાનીની શરૂઆત થઈ ચૂકી છે. એરંડાના પાકને વધુ પાણીની જરૂર રહે છે. જો હવે વરસાદ ન થાય તો સૌથી વધુ નુકશાન એરંડાના પાકને થશે. કપાસ, મગફળી પર જોખમ સર્જાય ગયુ છે. ખેડૂતોએ હજુ વરસાદ થવાની આશા છોડી નથી પરંતુ જો વરસાદ ન જ થાય તો આઠ આની વર્ષ થવા સામે પણ પ્રશ્નાર્થ છે. કુદરતી આફતના એંધાણ વર્તાય રહ્યા છે. ખેતીનુ ચિત્ર નબળુ થશે તો તેની સીધી અસર જમીન-મકાનના વ્યવસાય અને બજાર તંત્ર પર પડશે.

(3:32 pm IST)