Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

જેલમાં રહેલ જૈન મુનિની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધીઃ ગંભીર ગુનો

ધાર્મિક વિધિના બહાને ઉપાશ્રયમાં બોલાવી જૈન મુનિએ દુષ્કર્મ આચર્યુ : શરતોનું પાલન કરીશઃ પોલીસને સહકાર આપુ છું: લાંબા સમયથી જેલમાં છું: રજુઆતો અમાન્ય

રાજકોટ, તા., ૨૧: વડોદરાની ૧૯ વર્ષની યુવતી સાથે દુષ્કર્મના આરોપના કેસમાં સુરતના દિગંબર જૈન મુનિ શાંતિસાગરની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે રદ કરી છે.

મુનિ શાંતિસાગર તરફથી રજુઆત કરવામાં આવી હતી કે તેમને ફસાવવા માટે અને બદનામ કરવા માટે તેમના વિરૂધ્ધ ફરીયાદ નોંધાવવામાં આવી છે. કેસની ચાર્જશીટ ફાઇલ થઇ ચુકી છે. તેમજ પોલીસ તપાસમાં પણ તેમણે પુરતો સહયોગ આપ્યો હતો. ઘણા સમયથી જેલમાં હોવાની અને પોલીસ જે પણ શરતો મુકે તેનું પાલન કરવાની ખાતરી તેમના દ્વારા આપવામાં આવી હતી.

સામા પક્ષે પોલીસ એવી રજુઆત હતી કે પીડીતોનો મેડીકલ રીપોર્ટ અરજદારની વિરૂધ્ધનો સબળ પુરાવો છે. ઉપરાંત ચાર્જશીટના આધારે પણ પ્રથમ દ્રષ્ટિએ કેસ પુરવાર થાય છે. તેથી તેમને જામીન ન મળવા જોઇએ.

કોર્ટ પોલીસની રજુઆત ગ્રાહ્ય રાખી જામીન અરજી ફગાવી છે.

મૂળ રાજસ્થાનની અને વડોદરામાં રહી અભ્યાસ કરતી પીડીતાએ નોંધાવેલી પોલીસ ફરીયાદ અનુસાર ૧-૧૦-ર૦૧૭ના રોજ સુરતના નાનપુરના ઉપાશ્રયમાં મુનિ શાંતિસાગર ધાર્મિક વિધિના બહાને તેમની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ આરોપસર અત્યારે તેઓ જેલમાં છે.

(1:27 pm IST)