Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

આંદોલનો વધ્યા છે, તહેવારોની મોસમ છે,ચૂંટણીઓ ગાજી રહી છે અને મહાનુભાવોની સુરક્ષા વધવાની છે ત્યારે આ નિર્ણય મહત્વનો સાબિત થશે

૩૬૦ પીએસઆઇની બઢતી આડેનો સ્ટે હાઇકોર્ટે હટાવતા પોલીસ તંત્ર પર આવી અસર થવાનું અનુભવીઓનો મત

રાજકોટ, તા., ર૧: ૩૬૦ જેટલા પીએસઆઇને ઇન્સ્પેકટર તરીકે બઢતી આપવાનો સ્ટે અંતે હટાવી લેવામાં આવ્યો છે અને આ સ્ટે હટાવતા સમયે હાઇકોર્ટે નોંધ્યું છે કે રાજયમાં અત્યારે ૬૦૦ જેટલા પીઆઇની જગ્યા ખાલી છે તેવા સમયે આ સ્ટે જરૂરી નથી અને પોલીસ ઇન્સ્પેકટરની જગ્યા ભરાય તે જરૂરી છે. હાઇકોર્ટના આ આદેશના કારણે લાંબા સમયથી ખાલી રહેલી પોલીસ ઇન્સ્પેકટરની મહત્વની ખાલી જગ્યાઓ ભરાવા સાથે હવે પીઆઇ ટુ ડીવાયએસપી માફક પીએસઆઇમાંથી પોલીસ ઇન્સ્પેકટર તરીકે બઢતી આપવાનો માર્ગ મોકળો થયો છે.

રાજયભરમાં ખેડુત આંદોલન સહીત અનેક પ્રકારના આંદોલનો વધી રહયા છે. લોકસભાની ચુંટણીઓ તોળાઇ રહી છે. તહેવારોની મોસમ ચાલી રહી છે. આવા સંજોગોમાં પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારીઓની જગ્યાઓ અનુભવી પોલીસ સબ ઇન્સ્પેકટરોને બઢતી આપી જગ્યા ભરવાથી કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો હલ કરવામાં રાજય પોલીસ તંત્રને મહદ અંશે સફળતા મળશે તેવું પોલીસ તંત્રના અનુભવી અધિકારીઓએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

મે માસમાં યોજાનારી લોકસભાની ચુંટણીઓને કારણે મહાનુભાવોનું આગમન સ્વભાવિક રીતે ગુજરાતમાં વધશે પરીણામે તેઓના બંદોબસ્તમાં તથા તેમની સુરક્ષામાં પણ મોટો કાફલો જરૂર પડશે હાઇકોર્ટના ઉકત આદેશથી આ જગ્યાઓ જો સમયસર ભરવામાં આવશે તો આ પ્રશ્ન પણ હલ થશે.

એ યાદ આપવું જરૂરી છે કે અત્યારે રાજય પોલીસ તંત્રમાં અપુરતી જગ્યાઓને કારણે પોલીસ તંત્રના નાના-મોટા તમામ પર કામનું ભારણ વધતું જ જાય છે. તાજેતરમાં જ આવા કામના બોજાના કારણે પોલીસ તંત્રના એક પીએસઆઇ, એક એ.એસ.આઇ. તથા એસઆરપીના એક જવાને પોતાનો જીવ આપી દીધો. એક જ દિવસમાં બનેલી આ ઘટનાથી પોલીસ તંત્ર હચમચવા સાથે ગુજરાતમાં અપુરતા પોલીસ સ્ટાફને કારણે પોલીસની માનસિક હાલત કેવી છે તેનું આ ઉદાહરણ છે.

વિશેષમાં પોલીસ તંત્રમાં લાંબા સમયથી પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારીઓને ડીવાયએસપી તરીકે બઢતી આપવાની ચર્ચાઓ માત્ર કાગળ પર જ રહી છે એવું આ કિસ્સામકાં ન થાય અને ઝડપથી તમામ જગ્યાઓ ભરાઇ જાય તો લોકોની સુખાકારીમાં પણ વધારો થશે તેવંુ પણ અનુભવી અધિકારીઓ અકિલા સાથેની વાતચીતમા હાલની કડવી વાસ્તવિકતા વર્ણવતા જણાવ્યું હતું.

(1:27 pm IST)