Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

દસ IAS અધિકારીઓ સહિત ૧૪૦૮ સરકારી બાબુઓ વિરૂધ્ધ ગેરરીતિનો રિપોર્ટ

કટકી, મિલ્કત ખરીદી અને ગેરરીતિ સબબ તકેદારી આયોગે પગલા લેવા કરી ભલામણ : છેલ્લા ત્રણ વર્ષ દરમિયાનના આંકડા : હવે સરકાર લઇ શકે છે પગલા

અમદાવાદ તા. ૨૧ : સરકારનાં જુદા જુદા વિભાગોમાં મોટાપાયે ભ્રષ્ટાચારો થાય છે. ૨૦૧૫થી ૨૦૧૭ દરમિયાન લાંચ, ભ્રષ્ટાચાર, અપ્રમાણિકતા, સત્તાના દુરૂપયોગને લગતી સંખ્યાબંધ ફરીયાદો ગુજરાત તકેદારી આયોગને મળી હતી. જેને પગલે આયોગે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ ૧૦ આઇએએસ અધિકારીઓ, ૯૫૨ ગેઝેટેડ અધિકારીઓ (કલાસ-૧ અને કલાસ-૨) તથા વર્ગ-૩ના ૪૪૬ કર્મચારીઓ વિરુદ્ઘ શિક્ષાત્મક કાર્યવાહી કરવા સરકારને ભલામણ કરતો અહેવાલ આપ્યો છે. વિધાનસભા ગૃહમાં આયોગનો સંપૂર્ણ અહેવાલ મુકવામાં આવ્યો છે.

અહેવાલનાં વર્ષ દરમિયાન આયોગને ૭૫૪૧ અરજીઓ મળી હતી. જે પૈકીમાંથી ૮૩૪ અરજીઓ અંગે અહેવાલ મંગાવાયા છે. ૪૫૯૨ અરજીઓ યોગ્ય કાર્યવાહી અર્થે મોકલાઇ છે. જયારે ૧૦૦ અરજદારો પાસેથી વધુ વિગતો મંગાઈ છે. એસીબી તરફથી મળેલી દરખાસ્તો અંતર્ગત ૨૨ જાહેર સેવકો સામે પ્રોસીકયુશનની મંજૂરી આપવાની, ૨૯૦ જાહેર સેવકો વિરુદ્ઘ ભારે શિક્ષા કરવાની, ૩૫ સામે પેન્શન કાપ, ૪૫ સામે હળવી શિક્ષા, ૨૧ સામે વસુલાત સહિતની કુલ ૪૧૩ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ભલામણ આયોગે કરી છે.

જયારે ૧૯૬ અધિકારી-કર્મચારીઓ સામે ભારે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ભલામણ કરાઈ છે. વર્ષ દરમિયાન આયોગે કુલ ૧૦૧ કર્મચારી-અધિકારી સામે ભલામણ કરી છે. જેમાં ૯૪ સામે ભારે શિક્ષાનો સમાવેશ થાય છે. ૧૦૧ પૈકી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કુલ ૪૦ અધિકારી સામે અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.ના કુલ ૨૯ સામે ભલામણ કરાઈ છે.

આયોગને વર્ષ ૨૦૧૭ દરમિયાન સચિવાલયનાં વિભાગો તેમજ બોર્ડ નિગમોનાં કુલ ૧૧૦૩ અહેવાલો મળ્યા હતા. જયારે વિભાગો તથા બોર્ડ-નિગમોના કુલ ૩૮૯ પ્રકરણો સંદર્ભ કેસ તરીકે આયોગની વિચારણા માટે રજૂ થયા હતા. આમ આયોગને કુલ ૧૪૯૨ અહેવાલો મળ્યા હતા. જેના પર વિચારણા કરીને ૬૪૮ અધિકારીઓ સામે જુદી જુદી ભલામણો કરી છે.

(1:26 pm IST)