Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

આયુષ્‍યમાન ભારત-વડાપ્રધાન જન આરોગ્‍ય યોજના ૨૩મીથી શરૂઃ ગુજરાતના રાા કરોડ લોકો આવરાયા

અમદાવાદથી વિજયભાઇ પ્રારંભ કરાવશેઃ ઝારખંડથી વડાપ્રધાન લોન્‍ચીંગ કરશે : ૧૭૦૦ થી વધુ સરકારી ખાનગી હોસ્‍પિટલોમાં ૧૦૦ ટકા ખર્ચ સરકાર ભોગવશે

રાજકોટ તા.૨૧: ઉચ્‍ચ પ્રકારની મોંઘી સારવાર વિનામુલ્‍યે પુરી પાડવા માટે કેન્‍દ્ર સરકાર દ્વારા આયુષ્‍યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના જાહેર કરાઇ છે. જેનો ૨૩મી સપ્‍ટેમ્‍બરથી વડાપ્રધાન ઝારખંડથી રાષ્‍ટ્રવ્‍યાપી પ્રારંભ કરાવશે. જયારે આ યોજનાનો અમદાવાદથી મુખ્‍યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલ પ્રારંભ કરાવશે.

આ અંગે નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, આ યોજના હેઠળ ગુજરાતમાં ૪૪ લાખથી વધુ પરિવારનાં ર.રપ કરોડ નાગરિકોને ૧૦૦ ટકા સરકારી ખર્ચે સારવાર પુરી પડાશે. નાના-મોટા રોગોમાં વાર્ષિક રૂા. પ લાખની મર્યાદામાં આ યોજના હેઠળ નોંધાયેલા પરિવારોને સારવાર પુરી પાડવામાં આવશે. જેમાં પ્રાથમિક, સેકન્‍ડરી વગેરે સારવાર માટે પેકેજ નિયત કરી તેના દર મુજબ સારવાર અપાશે.ગુજરાતમાં ૧૭૦૦ થી વધુ સરકારી અને ખાનગી હોસ્‍પિટલોમાં આ યોજના હેઠળ સારવાર મળી શકશે. તમામ હોસ્‍પિટલોમાં આયુષ્‍યમાન મિત્ર ઉપલબ્‍ધ થશે.

જે લાભાર્થીને સારવાર સમયે માર્ગદર્શન આપશે. આ યોજના હેઠળ ૬૦ ટકા ખર્ચ કેન્‍દ્ર તથા ૪૦ ટકા ખર્ચ રાજય સરકાર ભોગવશે. સવા બે કરોડ નાગરિકોનો સંપુર્ણ ડેટા તેૈયાર થઇ ગયો છે. આ પરિવારોને નાના તેમજ ગંભીર રોગ સામે સારવાર પૂરી પડાશે. સરકાર વીમા કંપનીઓને ૧૬૧ કરોડ ચૂકવશે.

(11:19 am IST)