Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ગુજરાતના મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ ૮૧ને પાર : ભાવનગરમાં પેટ્રોલ સૌથી વધુ મોંઘુ

પેટ્રોલમાં ૧૦ પૈસાનો વધારો થયો છે જ્‍યારે ડીઝલનો ભાવ સ્‍થિર

નવી દિલ્‍હી/અમદાવાદ તા. ૨૧ : છેલ્લા એક મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં ૧૦ પૈસાના વધારો થયો છે જયારે ડીઝલના ભાવમાં વધારો કરાયો નથી. દેશની રાજધાની દિલ્‍હીમાં પેટ્રોલનો ભાવ ૮૨.૩૨ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. આ બાજુ રાજયના મુખ્‍ય શહેર અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૮૧.૪૫ રૂપિયા પ્રતિ લીટર થયો છે. જયારે ડીઝલનો ભાવ સ્‍થિર છે અને પ્રતિ લીટર ૭૯.૨૮ રૂપિયા છે.

રોજે રોજ બદલાતા ભાવ વચ્‍ચે આજે જનતાને થોડી રાહત મળી છે તેવું કહી શકાય. કારણ કે પેટ્રોલના ભાવમાં ૧૦ પૈસાનો વધારો થયો છે પરંતુ ડીઝલના ભાવ સ્‍થિર છે. એટલે કે કોઈ વધારો નોંધાયો નથી. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ.૮૧.૪૫ પ્રતિ લીટર છે. જયારે ડીઝલનો ભાવ રૂ.૭૯.૨૮ પર સ્‍થિર છે. રાજયમાં પેટ્રોલનો સૌથી વધુ ભાવ ભાવનગરમાં જોવા મળ્‍યો છે. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ રૂ.૮૨.૫૪ પ્રતિ લીટર છે. છેલ્લા ૧૯ દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ.૩.૭૯નો વધારો નોંધાયો છે. રાજયના મોટા ભાગના શહેરમાં પેટ્રોલ ભાવ રૂ.૮૧ને પાર પહોંચ્‍યો છે.

આ બાજુ મુંબઈમાં પેટ્રોલના ભાવમાં ૯ પૈસાનો પ્રતિ લીટર વધારો થયો છે. જેના કારણે મુંબઈમાં હવે પેટ્રોલનો ભાવ ૮૯.૬૯ રૂપિયા પ્રતિ લીટર છે. જયારે ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. ડીઝલ ૭૮.૪૨ રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે આવનારા સમયમાં ભારતીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધશે. પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારા પાછળ રૂપિયો એક મોટું કારણ છે. રૂપિયો સતત ગગડી  રહ્યો હોવાના કારણે ઓઈલ કંપનીઓ સતત ભાવોમાં વધારો  કરી રહી છે. કંપનીઓ ડોલરમાં ક્રુડ ઓઈલની કિંમત ચૂકવે છે. જેના કારણે તેમણે પોતાનો માર્જિન પૂરો કરવા માટે પેટ્રોલીયમ પેદાશોના ભાવ વધારવા પડે છે.

 

(11:18 am IST)