Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

મગફળીના નીચા ઉત્‍પાદને તહેવારમાં સિંગતેલ મોંઘુ થશે?

સૌરાષ્‍ટ્રમાં નવી મગફળીની આવકોનો પ્રારંભ : ભાવમાં ધીમી ગતિએ ઘટાડો

અમદાવાદ તા. ૨૧ : ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદની ખાધની મોટી અસર મોટા ભાગનાં ખરીફ પાકો ઉપર જોવા મળી રહી છે. ખાસ કરીને મગફળીનો પાક ચાલુ વર્ષે ૪૦ ટકા સુધી ઓછો આવે તેવી સંભાવનાં વેપારીઓ વ્‍યક્‍ત કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકો છેલ્લા ચાર-પાંચ દિવસથી શરૂ થઈ ગઈ છે અને એકાદ સપ્તાહમાં વધી જાય તેવી સંભાવનાં છે.

ગુજરાતમાં મગફળીનાં પાક અંગે ગોંડલનાં એક ઓઈલ મિલરે જણાવ્‍યું હતું કે ચાલુ વર્ષે ગુજરાતમાં મગફળીનું ઉત્‍પાદન ૪૦ ટકા સુધી ઘટે તેવી સંભાવનાં દેખાય રહી છે. વરસાદની અનિયમિતતાને કારણે વાવેતર ઘટ્‍યું છે અને ઉત્‍પાદકતામાં પણ ઘટાડો થયો છે. કચ્‍છ જેવા વિસ્‍તારમાં તો વરસાદ જ પડ્‍યો નથી, પરિણામે ત્‍યાં ચાલુ વર્ષે મગફળીનો પાક ખૂબ જઓછો આવે તેવું લાગી રહ્યું છે..

આ વેપારીએ કહે છે કે ગત વર્ષે રાજયમાં સરેરાશ ૨૮થી ૩૦ લાખ ટન મગફળીનો પાક થયો હતો, જેની તુલનાએ ચાલુ વર્ષે ૧૫થી ૧૮ લાખ ટન વચ્‍ચે પાક થાય તેવી ગણતરીઓ હાલ મંડાય રહી છે. પાછોતરો વરસાદ ન આવ્‍યો હોવાથી મગફળીમાં ઉત્‍પાદકતાને મોટી અસર પહોંચી છે. આવી સ્‍થિતિમાં અમુક વિસ્‍તારમાં તો વીઘાદીઠ માંડ ૭થી ૮ મણનો જ ઉતારો આવે તેવી પણ સંભાવનાં રહેલી છે, પરિણામે ઉત્‍પાદનને મોટી અસર પહોંચશે. ગુજરાત સરકાર દ્વારા પણ તાજેતરમાં મગફળીનાં પાકનો સત્તાવાર અંદાજ જાહેર કરવામાં આવ્‍યો હતો, જે મુજબ રાજયમાં મગફળીનો પાક ૩૦ ટકા ઘટીને ૨૬.૯૫ લાખ ટન થવાનો અંદાજ મૂક્‍યો છે, જો કે સરકારનો ગત વર્ષનો અંદાજ ૩૮.૪૩ લાખ ટનનો હતો. સરકારનાં અંદાજો ખૂબ જ ઊંચા અને અશક્‍ય હોવાનું વેપારી વર્ગનું માનવું છે..

દરમિયાન સૌરાષ્ટ્રમાંનવી મગફળીની આવકો શરૂ થવા લાગી છે. હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં મળીને પાંચેક હજાર ગુણી આવી રહી છે અને ભાવ ૨૦ કિલોનાં રૂા. ૮૫૦થી ૧૧૦૦ સુધીનાં બોલાય છે. ગત વર્ષની તુલનાએ મગફળીના શરૂઆતના ભાવ સરેરાશ રૂા. ૫૦થી ૧૦૦ ઊંચા બોલાય રહ્યા છે. ઓક્‍ટોબર મહિનાથી મગફળીની આવકો વેગ પકડે તેવી સંભાવના છે.

સિંગતેલ ડબ્‍બો  રૂા. ૧૫૦ ઊંચો રહેવાનો અંદાજ

મગફળીનાં ઉત્‍પાદનમાં જંગી ઘટાડાને પગલે સિંગતેલ બહુ મોંઘું થઈ જશે તેવું સૌને લાગે છે, પરંતુ ગત સિઝનની વાત કરીએ તો કુલ ૩૦ લાખ ટનનાં પાકમાંથી પાંચ લાખ ટન હતી પડ્‍યો છે. આમ કુલ ૨૫ લાખ ટન મગફળીનો વપરાશ થયો છે, જેની તુલનાએ નવી સિઝનમાં ૧૫થી ૧૮ લાખ ટનનો પાક અને પાંચથી છ લાખ ટનનો પાક ગણીઓ તો પણ ૨૦થી ૨૪ લાખ ટન વચ્‍ચે પૂરવઠો ઉપલબ્‍ધ બનશે. સરકારે મગફળીની ખરીદીનાં લઘુત્તમ ભાવ પણ વધારીને રૂા. ૯૬૮ કર્યાં છે, જે ગત વર્ષે રૂા. ૮૯૦ હતાં. મગફળીનાં ભાવ ઊંચા રહેશે, પરિણામે સિંગતેલનાં ભાવ ચાલુ વર્ષની તુલનાએ ડબ્‍બાદીઠ રૂા.૧૦૦થી ૧૫૦ ઊંચા રહેવાની ધારણાં છે. હાલ સિંગતેલનો ડબ્‍બો અમદાવાદ શહેરમાં રૂા.૧૫૬૦થી ૧૫૭૦ છે, જે રૂા.૧૪૦૦થી નીચે જાય તેવી સંભાવનાં ઓછી અને ઉપરમાં સમગ્ર વર્ષ દરમિયાન રૂા.૨૦૦૦થી ઉપર ભાવ જવાની ધારણાં પણ ઓછી છે.

નવી સિઝનમાં ૬ લાખ ટનનો કેરીફોરવર્ડ સ્‍ટોક રહેશે

ઓક્‍ટોબર મહિનાથી મગફળીની નવી સિઝન શરૂ થાય એ પહેલા ગુજરાતમાં ચાલુ વર્ષે વિક્રમી કેરીફોરવર્ડ સ્‍ટોક રહેવાનો અંદાજ છે. સરકારી ગોડાઉનમાં નાફેડ પાસે જ હાલની સ્‍થિતિ ૫.૧૦ લાખ ટનનો સ્‍ટોક પડ્‍યો છે અને બાકીનો ખેડૂતો કે વેપારીઓ પાસે ૫૦થી ૭૦ હજાર ગુણીનો સ્‍ટોક હોવાનો અંદાજ છે. આમ વેપારી અંદાજ પ્રમાણે આશરે ૫.૫૦થી ૬ લાખ ટનનો કેરીફોરવર્ડ સ્‍ટોક રહેવાનો અંદાજ છે, જે અત્‍યાર સુધીનો સૌથી વધુ સ્‍ટોક છે.

 

(10:24 am IST)