Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ઘણા ધર્મગુરૂઓએ મારી પાસે સેક્‍સની માંગણી કરી છે : માનવેન્‍દ્રસિંહ

માનવેન્‍દ્રસિંહ પોતે સમલૈંગિક હોવાની કરી ચૂકયા છે જાહેરાત : ‘ઓલમ્‍પિકમાં આપણને ગોલ્‍ડ, સિલ્‍વર નથી મળ્‍યો પરંતુ એચઆઇવીમાં આપણે બ્રોન્‍ઝ મેડલ જરૂર જીતી લીધો છે'

આણંદ તા. ૨૧ : સરદાર પટેલ યુનિવિર્સિટી સાથે સંલગ્ન MSW વિભાગ તરફથી ગુરુવારે એલજીબીટી (લેસ્‍બિયન, ગે, બાયસેક્‍સ્‍યુઅલ, ટ્રાન્‍ઝેન્‍ડર) વિષય પર એક કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કોન્‍ફરન્‍સમાં રાજપીપળાના રાજવી માનવેન્‍દ્રસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. આ પરિસંવાદમાં સ્‍ફોટક નિવેદન આપતા તેમણે જણાવ્‍યું હતું કે તેમની પાસેથી ઘણા ધાર્મિક ગુરુઓએ સેક્‍સની માંગણી કરી છે.

રાજપીપળાના પ્રિન્‍સ માનવેન્‍દ્રસિંહ ગોહિલ પોતે સમલૈંગિક હોવાની જાહેરાત કરી ચુક્‍યા છે. આ ઉપરાંત તેમની સંસ્‍થા લક્ષ્ય ઘણાં લાંબા સમયથી સમલૈંગિકો માટે કામ કરી રહી છે. આ પ્રસંગે નિવેદન કરતા માનવેન્‍દ્રસિંહે કહ્યુ હતુ કે, ‘આપણા સમાજમાં ઘણો દંભ છે. હું તેની સામે લડાઈ લડી રહ્યો છું. દેશની ધાર્મિક સંસ્‍થાઓના વડાંઓ દંભી છે. હું એવું કહેવામાં બિલકુલ શરમ નથી અનુભવી રહ્યો કે ઘણા ધાર્મિક નેતાઓએ મારી પાસે સેક્‍સની માંગણી કરી છે.' એચઆઈવીમાં ત્રીજા નંબરે હોવા અંગે કટાક્ષ કરતા માનવેન્‍દ્રસિંહે કહ્યુ હતુ કે, ‘ઓલિમ્‍પિકમાં આપણને ગોલ્‍ડ, સિલ્‍વર નથી મળ્‍યો પરંતુ એચઆઈવીમાં આપણે બ્રોન્‍ઝ મેડલ જરૂર જીતી લીધો છે.'

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ કલમ ૩૭૭ને નાબુદ કરવા અંગે ચુકાદો આપ્‍યો છે. કોર્ટે ચુકાદો આપતા કહ્યુ કે, બે વયસ્‍ક સમલૈંગિક વચ્‍ચે શારીરિક સંબંધ હોવા એ ગુનો નથી. ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, LGBT કોમ્‍યુનિટિને પણ અન્‍યોની જેમ સમાન અધિકારો મળેલા છે. આ અંગે જૂનો ચુકાદો યોગ્‍ય ન હતો. સજાતિયતા એ ગુનો નથી. કોઈ પોતાની ઓળખથી અલગ નથી. કલમ ૩૭૭નો બચાવ ન કરી શકાય. સજાતિય સંબંધ ધરાવનારને પણ સમાન અધિકાર મળે છે. સમયની સાથે કાયદો પણ બદલાવો જોઈએ.

(10:17 am IST)