Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની સૂચના મુજબ ગુજરાત સરકાર કોસ્‍ટલ ઝોન મેનેજમેન્‍ટ પ્‍લાન સબમીટ કરવામાં નિષ્‍ફળ જતા ગુજરાતના મોટા પ્રોજેક્ટ અટકી ગયા

ગાંધીનગરઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (NGT) આપેલી સૂચના મુજબ ગુજરાત સરકાર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન (CZMP) સબમિટ કરવામાં નિષ્ફળ જતા ગુજરાતમાં ધરખમ ઈન્વેસ્ટમેન્ટ ધરાવતા કેટલાંય પ્રોજેક્ટ્સ અટકી પડ્યા છે. ગત નવેમ્બરમાં NGTએ સૂચના આપી કે વન અને પર્યાવરણ મંત્રાલયે (MO-EF) CZMP સબમિટ ન કરનારા રાજ્યોની સરકારને નિયંત્રિત વિસ્તારોમાં ડેવલેપમેન્ટ કરવા માટે પરવાનગી આપવી જોઈએ નહિ. અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને તપાસ કરતા માલૂમ પડ્યું છે કુલ 23 પ્રોજેક્ટ્સનું કામ, ખાસ કરીને ગુજરાત મેરિટાઈમ બોર્ડ (GMB)ના અનેક પ્રોજેક્ટ્સનું કામ અટકી પડે તેમ છે. તેમાં જેટી, બંદરો અને ખારવા માટે મત્સ્ય કેન્દ્રો ઊભા કરવાના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

આમાંથી એક મોટો પ્રોજેક્ટ છે જુનાગઢ જિલ્લામાં શાપૂરજી પલ્લોનજી ગૃપ દ્વારા હાથ ધરાયેલો છારા ગ્રીનફિલ્ડ બંદર પ્રોજેક્ટ. આ મલ્ટી પર્પઝ બંદર અને LNG ટર્મિનલ બનાવવાના પ્રોજેક્ટમાં રૂ. 12,000 કરોડનું રોકાણ અટવાયેલુ છે. રાજ્ય સરકાર CZMP બનાવવામાં 2011થી ગલ્લાતલ્લા કરી રહી છે. છેલ્લે સરકાર ઓગસ્ટ 2018ની ફાઈનલ ડેડલાઈન પણ ચૂકી ગઈ હતી. આ સમગ્ર મામલાની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું, “સરકારના ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (SIR) નજીક ડેવલપમેન્ટના પ્લાન પણ અટકી ગયા છે. નાના મોટા મળીને કુલ 50,000 કરોડના ઈન્વેસ્ટમેન્ટ ધરાવતા પ્રોજેક્ટ્સ અટકી પડ્યા છે.”

MO-EFને નોટિસ આપતા NGTએ જણાવ્યું છે કે તે CZMP સબમિટ કરવામાં રાજ્ય સહકાર દ્વારા અસહયોગ અંગે કોઈપણ વિવાદ ચલાવી નહિં લે. વન અને પર્યાવરણ વિભાગને 31 જુલાઈ સુધીમાં હેઝાર્ડ લાઈન (જોખમ નિશ્ચિત કરતા માપદંડ) ફાઈનલ કરવાની સૂચના આપી દેવાઈ હતી. પર્યાવરણ ચળવળાર મહેશ પંડ્યા જણાવે છે, “કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) કાયદો 1991માં અસ્તિત્વમાં આવ્યો હતો. ત્યારથી એક યા બીજા કારણોસર આ કાયદાનું અસરકારક અમલીકરણ થયુ નથી.સુપ્રીમ કોર્ટ અને NGTએ સરકારની CRZના કાયદાનું પાલન ન કરવા અંગે અનેકવાર ઝાટકણી કાઢી હોવા છતાંય રાજ્ય સરકાર સ્ટેટ કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાનનો ડ્રાફ્ટ સબમિટ કરવાની ઘોષણાને પણ 2011થી ટલ્લે ચડાવી રહ્યા છે.”

આ અંગે પૂછવામાં આવતા વન અને પર્યાવરણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને જણાવ્યું, “બે કેસને બાદ કરતા તમામ જિલ્લાઓણાં પ્રોજેક્ટ્સ માટેની પબ્લિક હિયરિંગ સમાપ્ત થઈ ચૂક્યું છે. અમને આશા છે કે અમે ગુજરાત સરકારનો GCZMP પ્લાન 31 ઓક્ટોબર સુધીમાં પર્યાવરણ અને વનવિભાગને સબમિટ કરી દઈશું. NGTએ CZMP સબમિટ ન થાય ત્યાં સુધી કોઈ વિકાસના કામને પરવાનગી ન આપવાનું નક્કી કર્યું હોવાથી નવા પ્રોજેક્ટના પ્રસ્તાવો એક વાર આગળથી લીલી ઝંડી મળી જાય પછી જ હાથ ધરવામાં આવશે.”

(5:15 pm IST)