Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ચોમાસાએ વિદાયની વાટ પકડી : પાછોતરા ભારે વરસાદની સંભાવના નહિવત

સતાવાર રીતે સપ્ટેમ્બર અંત સુધી ચોમાસુ પણ હવે 'જમાવટ'ના એંધાણ દેખાતા નથી : સરકારને હવામાન નિષ્ણાંતોનો ઇશારો : આજે સવારથી બપોર સુધીમાં ખગ્રામ (નવસારી)માં ૧ાા ઇંચ, વ્યારા, વધઇમાં એક-એક ઇંચ : વંથલી, તળાજા, જુનાગઢમાં ઝપટા

રાજકોટ, તા., ર૧: ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં ઓગષ્ટમાં મુશળધાર વરસાદ થયા બાદ અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં મેઘવિરામ છે. જન્માષ્ટમીના તહેવારોમાં વરસાદ આવે તેવા અત્યારના કોઇ એંધાણ નથી. ભુતકાળામં નોરતા સુધી વરસાદ ચાલુ રહયાના દાખલા છે પરંતુ અત્યારની સ્થિતિએ ચોમાસાએ વિદાય તરફ પ્રસ્થાન કર્યાનું હવામાન શાસ્ત્રીઓનું  કહેવું છે. હવામાન નિષ્ણાંતોએ આ અંગે સરકારને નિર્દેશ આપ્યો છે. ચોમાસુ હવે વિદાયની વાટ તરફ છે. જન્માષ્ટમી પછી પાછોતરો ભારે વરસાદ થવાની સંભાવના એકદમ ઓછી દેખાય છે. વરસાદની કોઇ સીસ્ટમ અત્યારે દેખાતી નથી તેથી હાલના સંજોગો મુજબ તહેવારો પછી કે તહેવારો દરમિયાન છુટો છવાયો વરસાદ પડે અને સપ્ટેમ્બર પ્રારંભથી ચોમાસુ વિદાય લઇ લ્યે તેવી પ્રબળ સંભાવના છે. જો કે આ આગાહી અત્યારના વાતાવરણ મુજબની હોઇ શકે. કુદરતી રીતે વાતાવરણ ગમે ત્યારે પલ્ટાઇ શકે છે.

જુલાઇ અંત અને ઓગષ્ટમાં ગુજરાતમાં જોરદાર વરસાદ થઇ ગયેલ. ગયા વર્ષે ૭૬ ટકા વરસાદ હતો આ વખતે આજની સ્થિતિએ ૮૯ ટકા જેટલો સરેરાશ વરસાદ થઇ ગયો છે. હજુ તેમા સામાન્ય ઉમેરાની શકયતા છે. ભુતકાળમાં નોરતામાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી હોય તેવુ બન્યંુ છે. અત્યારે રાજયના મોટા ભાગના વિસ્તારોમાં ભાદરવા જેવો  તડકો છે. આવતા દિવસોમાં વરસાદ પડવાના આશાભર્યા અનુમાનો થાય છે પરંતુ આજની સ્થિતિએ હવામાન નિષ્ણાંતો ભારે વરસાદની સંભાવનાને સમર્થન આપતા નથી.

ખેતી માટે હજુ અઠવાડીયા પછી એક સારા વરસાદની જરૂરીયાત જણાઇ છે. વાતાવરણ બદલાઇ તો ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેટલો વરસાદ થઇ શકે છે. ચોમાસાએ હવે વિદાયનો રસ્તો પકડયાનું હવામાન શાસ્ત્રીઓનું તારણ છે. હવે પછી છુટો છવાયો હળવો ભારે વરસાદ થઇ શકે છે પરંતુ સાર્વત્રીક ભારે વરસાદનો માહોલ કયાંય દુર સુધી નજરે પેડતો નથી. આજે સવારથી બપોર સુધીમાં નવસારીના ખગ્રામમાં દોઢ ઇંચ તથા દક્ષિણ ગુજરાતના વ્યારા અને વઘઇમાં એક-એક ઇંચ વરસાદ થયો છે. વંથલી, જુનાગઢ, તળાજા, સુરતના પલસાણા, છોટા ઉદેપુર, નવસારીના વાસંદા, વગરેમાં હળવા ઝાપટા પડયા છે.

(4:10 pm IST)