Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ગાંધીનગર મનપાના વિપક્ષી નેતાના પુત્રનો મૃતદેહ મળ્યો

નભોઇ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી : મરતાં પહેલાં પિતરાઈ ભાઈને ફોન ઉપર કહ્યું, છેલ્લીવાર મારું મોં જોવું હોય તો નભોઈ કેનાલ આવી જાવ : રિપોર્ટ

અમદાવાદ, તા.૨૧ : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાના પુત્ર જયરાજસિંહે નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. આજે વહેલી સવારે તેમના પુત્રની લાશ જાસપુર નજીક કેનાલમાંથી ફાયર વિભાગે બહાર કાઢી હતી. બીજીબાજુ, જયરાજસિંહે આત્મહત્યા કયા કારણોસર કરી તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સોમવારે મોડી સાંજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાના પુત્ર જયરાજસિંહે (૨૩ વર્ષ) પિતરાઇ ભાઇને ફોન કરી કહ્યું હતું કે, છેલ્લીવાર મારું મોં જોવું હોય તો નભોઈ કેનાલ આવી જાવ. જેથી તાત્કાલિક પરિવારજનો કેનાલ પાસે પહોંચ્યા હતા જ્યાં જયરાજસિંહનું બાઈક, ચંપલ અને પાકીટ કેનાલ પાસેથી મળી આવતા સોમવાર રાતથી જ શંકાના આધારે ફાયરબ્રિગેડે શોધખોળ હાથ ધરી હતી પરંતુ ભારે શોધખોળ છતાં તેનો કોઇ પતો લાગ્યો ન હતો.

        દરમ્યાન આજે વહેલી સવારે જાસપુર નજીક કેનાલમાંથી જયરાજસિહની લાશ મળી આવતા ફાયરની ટીમે તેને બહાર કાઢી હતી. લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. જુવાનજોધ પુત્રની લાશ જોતાં જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાના પરિવાર પર જાણે આભ તૂટી પડયુ હતું. સમગ્ર પરિવાર ઘેરા શોક અને આઘાત ગરકાવમાં બન્યો હતો. બીજીબાજુ, હવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી જયરાજસિંહના આત્મહત્યાનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. બનાવને પગલે સમગ્ર ગાંધીનગર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. રાજકીય વર્તુળમાં પણ આ બનાવને લઇ શોકની લાગણી ફેલાઈ હતી.

(8:21 pm IST)