Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

વાજપેયીને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે પ્રાર્થના સભા થઈ

સંતો-મહંતો, તમામ પક્ષોના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાઃ દેશહિતના નિર્ણયોના લીધે દેશના લોકો તેમને રાષ્ટ્રનાયક તરીકે સ્વીકારે છે રૂપાણીએ અભિપ્રાય આપ્યા : ધાનાણી, વાઘેલા અને દિલીપદાસજી ઉપસ્થિત

અમદાવાદ, તા.૨૧: ગુજરાત રાજ્ય મંત્રીમંડળે ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીને ભાવભરી શ્રદ્ધાંજલિ આપતો શોકદર્શક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. બે મિનિટનું મૌન પાળી રાજ્યમંત્રીમંડળે વાજપેયી આત્માની શાંતિ માટે પ્રભુ પ્રાર્થના કરી હતી.  પ્રાર્થના સભામાં રૂપાણીએ વાજપેયીની સિદ્ધિઓને રજૂ કરીને તેમના માર્ગદર્શન ઉપર ચાલવાની વાત કરી હતી. તા.૧૬ ઓગસ્ટના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીજીનું નિધન થયા બાદ તેમના માનમાં દેશભરમાં તેમને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પવાના ભાગરૂપે ભાજપ દ્વારા પ્રાર્થનાસભા યોજવામાં આવી રહી છે. જેના અનુસંધાનમનાં આજે અમદાવાદમાં પણ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ઓડિટોરિયમમાં (જીએમડીસી) પણ સ્વ.અટલજીની પ્રાર્થનાસભા યોજાઈ હતી.આ સર્વદલીય સાર્વજનિક પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઉર્જામંત્રી સૌરભ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિત અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી તેમને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે સાથે અટલજીએ રાજકારણની સાથે સાથે જનહિતમાં કરેલી રાષ્ટ્રીય સેવા અને લોકહિતના કાર્યોને બિરદાવાયા હતા. હવે આવતીકાલે શહેરમાં સાબરમતી નદીમાં પણ સ્વ.અટલબિહારી વાજપેયીના અસ્થિનું વિધિવત્ રીતે વિસર્જન કરવામાં આવનાર છે, તેને લઇને તૈયારીઓ આરંભાઇ છે.  યુનિવર્સિટની કેન્વેન્શન હોલ ખાતે આજરોજ યોજાયેલી સ્વ.અટલજીની પ્રાર્થનાસભામાં વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા, રાજ્યપાલ ઓપી કોહલી, અમદાવાદના મેયર બીજલ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા સહિત અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. તેમજ સચ્ચિદાનંદ સ્વામી, કૃષ્ણમણિ મહારાજ અને દિલીપ દાસજી સહિત અનેક સંતો-મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થનાસભામાં ખાસ હાજર રહેલા આ તમામ મહાનુભાવોએ અટલજીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. આજના આ કાર્યક્રમ સાથે જ શહેરમાં સ્વ. અટલજીના બે દિવસીય શ્રદ્ધાંજલિ કાર્યક્રમની શરૂઆત થઈ ગઇ છે. હવે આવતીકાલે તા.૨૨ ઓગસ્ટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દિલ્હીથી અસ્થિકુંભ લઇ બપોરે ૩-૦૦  કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના આગેવાનો પુષ્પાંજલિ અર્પણ કરશે. આવતીકાલે ખાડિયા ગોલવાડ ભાજપ કાર્યાલયથી ૪-૦૦ વાગ્યે શરૂ થઇ અટલજીની અસ્થિકુંભ યાત્રા શરૂ થઇ તિલક બાગ પાસે સાબરમતી નદીમાં સાંજે ૬-૦૦ વાગ્યે અસ્થિવિસર્જન સાથે પૂર્ણ થશે. સાબરમતી નદીમાં સ્વ.અટલજીના અસ્થિ પધરાવવાને લઇ તૈયારીઓ  આરંભી દેવાઇ છે.   પ્રાર્થનાસભામા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આજની આ સભા એક ખરા અર્થમાં સર્વસમાવેષક શોકસભા બની છે. સર્વે મહાનુભાવોના વક્તવ્યો દ્વારા સૌને અટલજીને જાણવાનો અને સમજવાનો મોકો મળ્યો છે. આદરણીય અટલજીનું જીવન એ દેશના કરોડો યુવાનો માટે અને ભાજપા કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ છે. તેઓ સદેહે આપણી વચ્ચે ઉપસ્થિત નથી પરંતુ તેમની દિવ્યચેતના હરહંમેશ આપણને માર્ગદર્શીત કરતી રહેશે. ગુજરાતની છ પવિત્ર નદીઓમાં આદરણીય અટલજીના અસ્થિ વિસર્જન થશે. નતમસ્તકે આદરણીય અટલજીને શ્રધ્ધાસુમન અર્પણ કરૃં છું. બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ સૌ સમાજ શ્રેષ્ઠીઓ તથા નગરજનોનો આભાર માનું છું. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા તથા કેન્દ્રિય મંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાએ તેમના વક્તવ્યમાં શ્રધ્ધાંજલી પાઠવતા આદરણીય અટલજી સાથેના તેમના જુના સંસ્મરણો તથા પ્રસંગો વર્ણવ્યા હતા.આ પ્રાર્થનાસભામાં વિવિધ રાજકિય પક્ષોના આગેવાનો, સામાજીક તથા શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, જુદા-જુદા વ્યાપારી મંડળોના આગેવાનો, ઉદ્યોગજગતના અગ્રણીઓ, લેખકો, સાહિત્યકારો, મીડિયાજગતના અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો આદરણીય અટલજીને શ્રધ્ધાંજલી અર્પણ કરવા ઉપસ્થિત રહ્યા હતા. વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ દિલ્હીમાં પણ થયો હતો.

(9:53 pm IST)