Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

વડોદરા નજીક રણોલી વિસ્તારમાં અજાણ્યા ટેન્કર ચાલકો દ્વારા કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતા ગ્રામજનોએ રોષ દેખાડ્યો

વડોદરા:શહેર નજીક હાઈવે પર આવેલા રણોલી વિસ્તારના તળાવમાં છેલ્લા એક માસથી મોડી રાત્રે અજાણ્યા ટેન્કરચાલકો દ્વારા કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવવામાં આવતા તળાવમાં રહેતા જળચર જીવોના મોત નીપજ્યા છે. આ અંગેની તંત્રને જાણ કરવા છતાં કોઈ પગલા નહી લેવાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને હવે તેઓએ જાતે ટેન્કરચાલકો પર વોચ ગોઠવી તેઓને ઝડપી પાડવાના પ્રયાસો શરૃ કર્યા છે. 

શહેર નજીક હાઈવે પર રણોલી ચોકડી પાસે વર્ષો જુનું વિશાળ તળાવ આવેલું છે જેમાં માછલીઓ,દેડકા સહિતના જળચર જીવો મોટી સંખ્યામાં હતા. છેલ્લા એક માસથી આ તળાવમાં મોડી રાત્રે કેટલાક ટેન્કરચાલકો દ્વારા કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવવાની શરૃઆત કરતાં હાલમાં આ તળાવના પાણીનો રંગ પણ બદલાઈ ગયો છે. એટલું જ નહી કેમિકલયુક્ત પ્રવાહીના કારણે તળાવમાં વસતા જળચર જીવોના પણ મોટી સંખ્યામાં મોત નીપજ્યા છે. 

તળાવના પાણીનો રંગ બદલાઈ જતા તેમજ જળચર જીવોના મોત અને ઘાસ પણ સુકાઈ જતા તળાવમાં હવે દુર્ગંધ ફેલાવવાની શરૃઆત થઈ છે. આ અંગે ગ્રામજનોએ તપાસ કરતાં રણોલી તેમજ નંદેસરી જીઆઈડીસીમાંથી મોડી રાત્રે આવતી કેટલીક ટેન્કરોના ચાલકો દ્વારા કેમિલક કંપનીઓનું વેસ્ટેજ પ્રવાહી આ રીતે ગેરકાયદે ઠાલવવામાં આવતું હોવાની જાણ થઈ હતી. 

(5:33 pm IST)