Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ઠાસરાના બોરડી ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી ધારિયાથી હુમલો કરનાર એકને કોર્ટે 1 વર્ષની સજાની સુનવણી કરી

ઠાસરા: તાલુકાના બોરડી ગામમાં બે વર્ષ અગાઉ પાણીની ટાંકીના ભૂંગળા હટાવીને ત્યાં ગલ્લો મૂકવા બાબતે થયેલ બોલાચાલીમાં ધારિયાથી હુમલો કરાયો હતો. જેમાં ઇજાગ્રસ્તે ડાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ડાકોર કોર્ટમાં ચાલી જતા ડાકોર કોર્ટના જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ પ્રમોદ રોહિતે આરોપીને એક વર્ષની સાદી કેદ અને રૂ. ૧ હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો હતો. 
પ્રાપ્ત વિગતોમાં બોરડી ગામે રહેતા રતિભાઇ સબાભાઇ રાઠોડે ગત તા. પ જાન્યુ. ર૦૧૬ના રોજ ગામના બસ સ્ટેન્ડે નજીક પાણીની ટાંકી, ભૂંગળા હટાવીને પાનનો ગલ્લો મૂકવામાં આવ્યાનું જોયું હતું. આથી તેઓએ બોરડીના વજેસિંહ રૂપસિંહ રાઠોડને આ અંગે પૂછપરછ કરતા વજેસિંહે તું પૂછવાવાળો કોણ? કહીને બોલાચાલી કરી હતી. દરમ્યાન ઉશ્કેરાયેલા વજેસિંહે ગાળો બોલીને રતિભાઇને ડાબા પગે ધારિયાની ચાંચ મારી હતી અને ધારીયાનું પુઠું ફટકારીને ઇજા પહોંચાડી હતી. આ મામલે રતિભાઇએ ડાકોર પોલીસ સ્ટેશનમાં વજેસિંહ રાઠોડ વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી. 
આ બનાવ અંગે ડાકોર પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં વજેસિંહ રાઠોડ વિરુદ્વ ગૂનો બનતો હોવાથી અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું. જેમાં આરોપી સામે સમન્સ કાઢવામાં આવ્યું હતું. જો કે આરોપીએ ગુનાનો ઇન્કાર કરતા કેસ આગળ ચલાવવામાં આવ્યો હતો. કોર્ટમાં સરકારી વકીલ એચ.ડી.પટેલે દલીલ કરી હતી કે આરોપી સામે શરીર વિરોધી ગૂનો પૂરવાર થયેલ છે અને સમાજમાં મેસેજ જાય માટે કાયદાથી નિર્ધારિત પૂરેપૂરી સજા અને દંડ કરવો જોઇએ. ડાકોર કોર્ટના જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ પ્રમોદ ચીમનભાઇ રોહિતે દલીલો, પુરાવા વગેરે ધ્યાને લઇને હુકમ કર્યો હતો. જેમાં વજેસિંહ રાઠોડને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને રૂ. ૧ હજાર દંડ અને જો દંડની રકમ જમા ન કરાવે તો વધુ એક માસની સાદી કેદની સજા ફરમાવી હતી.

(5:31 pm IST)