Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

બોરસદમાં ભારે પવનના કારણે ઝાડ કાર પર પડતા એકનું કમકમાટી ભર્યું મોત: ત્રણને ગંભીર ઇજા

બોરસદ: તાલુકાના રાસ-અમિયાદ માર્ગ ઉપર આવેલા ફાટક પાસે આજે ભારે પવન સાથે પડી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે એક તોતીંગ ઝાડ તુટીને સેન્ટ્રો કાર ઉપર પડતાં એકનું મોત થયું હતુ જ્યારે ત્રણને ગંભીર ઈજાઓ થતાં તેઓને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. 
ઘટનાની મળતી વિગતો અનુસાર સાંજના સુમારે એક સેન્ટ્રો કાર નંબર જીજે-૦૧, એચએલ-૦૩૭૨ની રાસ-અમીયાદ માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક ઝાડ તુટીને કાર પર પડતાં કારમાં સવાર ચારેય જણાં દબાઈ જવા પામ્યા હતા. દરમ્યાન ધડાકાનો અવાજ આવતા જ આસપાસના રહિશો દોડી આવ્યા હતા અને તુરંત જ ૧૦૮ તેમજ પોલીસને જાણ કરતાં ૧૦૮ની ટીમના સભ્યો દોડી આવ્યા હતા અને ઈએમટી અજયભાઈ પંચાલ તથા પાયલોટ ધર્મેન્દ્રભાઈએ ૧૦૮માં રહેલા સાધનો વડે કારના પતરાને કાપીને સ્થાનિકોની મદદથી ચારેયને બહાર કાઢયા હતા જેમાં ડ્રાયવરની બાજુની સીટઉપર સવાર મુસાફરનું મોત થયું હતુ જ્યારે બાકીના ત્રણેયને ગંભીર હાલતમાં સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા. 

(5:31 pm IST)